સુરત : શહેરમાં ફરીવાર કોરોનાના કેસ નોંધાવવાના શરૂ થયા છે. છેલ્લા 2-3 દિવસથી એક-બે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને હાલ શહેરમાં ઘણા લોકોને શરદી, ખાંસી થઈ રહી છે ત્યારે મનપા તંત્ર દ્વારા કોઈપણ દર્દીને શરદી ખાંસીના લક્ષણો જણાય તો કોરોનાના ટેસ્ટ કરવા અપીલ કરાઈ છે. ખાસ કરીને પાલિકાએ આજે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને સૂચના આપી છે કે જો દર્દીમાં શરદી-ખાંસીના લક્ષણ જણાય તો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે.
સુરતમાં ફરી કોરોનાના કેસ નોંધાવવાના શરૂ થતા નાગરિકો અને ખાનગી હોસ્પિટલોને ટેસ્ટ કરાવવા અપીલ
હોળી – ધુળેટીના તહેવારોની પૂર્ણાહૂતિ સાથે જ શહેરમાં વધુ એક વખત કોરોનાનું સંક્રમણ શરૂ થયું છે પરંતુ શહેરમાં માત્ર એક-બે કેસ જ નોંધાઈ રહ્યાં છે અને દર્દીઓમાં કોઈ ગંભીર લક્ષણ જણાઈ રહ્યાં નથી જેથી મનપાએ લોકોને માત્ર સાવચેત રહેવા અપીલ કરી છે. જેમાં ગભરાવવા જેવું કઈ નથી પરંતુ નાગરિકો તકેદારી રાખે તે ખૂબ જરૂરી છે. તેમજ મનપા દ્વારા તમામ પ્રાઈવેટ હોસ્પિટલોમાં સુચના આપી છે કે, કોઈપણ દર્દીને શરદી ખાંસીના લક્ષણો જણાય તો તેઓનો કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાનો રહેશે. હાલમાં શહેરના હેલ્થ સેન્ટરો પર રોજના 300 થી 400 જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા
આજે શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા હતા. જેમાં હીરાબાગ, વરાછા ઝોન-એ માં રહેતા 60 વર્ષીના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેઓને છેલ્લા 3 દિવસથી શરદી, તાવ અને સુકી ખાંસીની તકલીફ હતી. દર્દીને ડાયાબિટીસની બીમારી છે. તેઓની તબિયત હાલમાં સ્થિર છે અને ઘરે ડ આઈસોલેશન હેઠળ છે. જ્યારે મીઠીખાડી લિંબાયતમાં 19 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીને છેલ્લા 6 દિવસથી શરદી અને ખાંસીની તકલીફ હતી. દર્દીને બીજી કોઈ ગંભીર બીમારી નથી તેમજ તેઓની તબિયત હાલ સ્થિર છે અને ઘરે આઈસોલેશન હેઠળ છે. મનપા દ્વારા દર્દીઓના સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.