SURAT : શહેરના કતારગામ ( KATARGAM) વિસ્તારમાં ગામતળમાં રહેતા અને બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની સાથે તેના 10 મિત્રોએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરી વિડીયો ઉતાર્યો હતો. વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી છેલ્લા 6 મહિનામાં 1.26 કરોડ રૂપિયા, 4 આઈફોન, 1 એપલ વોચ, 2 સેમસંગ મોબાઇલ, બે વન પ્લસ મોબાઇલ ફોન લેવડાવી ફોન ઉપર ધમકીઓ આપી બીજા 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટના સામે આવતાં કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કતારગામ પોલીસ ( KATARGAM POLICE) પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના કતારગામ વિસ્તારમાં ગામતળ ખાતે રહેતા અને તબેલાના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિએ 6 મહિના પહેલાં તેની તમામ ભેંસો વેચી હતી. તેની પાસે દોઢેક કરોડ રૂપિયા ઘરમાં પડેલા હતા. આ વ્યક્તિનો પુત્ર બીબીએ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના મિત્ર જયદીપને તેના ઘરમાં કરોડ રૂપિયા પડ્યા હોવાની જાણ હતી. જેથી તેણે અન્ય દસેક મિત્રો સાથે મળી વિદ્યાર્થીનું અપહરણ કરી ડભોલી ચાર રસ્તા પાસે આવેલી દુકાનમાં ગોંધી રાખ્યો હતો. દુકાનમાં તેની સાથે લાખા ભરવાડે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
તેની સાથેના અન્ય મિત્રોએ વિદ્યાર્થીને પકડી વિડીયો ઉતાર્યો હતો અને અણછાજતું વર્તન કર્યું હતું. ત્યારબાદ તેમણે વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થી પાસેથી ઘરમાં મૂકેલા રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા હતા. છેલ્લા 6 મહિનામાં 1.26 કરોડ રૂપિયા રોકડા પડાવ્યા હતા. આ સિવાય 4 આઈફોન, 1 એપલ વોચ, 2 સેમસંગ મોબાઇલ, બે વન પ્લસ મોબાઇલ ફોનો લેવડાવી ફોન ઉપર ધમકીઓ આપી બીજા 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી યુવકે આ અંગે બુધવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં 10 લોકોની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે લાખો ઉર્ફે ભરત બોઘાભાઇ સાટિયા, કરણ ત્રિવેદી અને જયદીપ અરવિંદભાઇ ટાંકની ધરપકડ કરી હતી.
પિતા રોકાણ માટે ઘરમાં પડેલા રૂપિયા જોવા ગયા ત્યારે જાણ થઈ
વિદ્યાર્થીના પિતા ઘરમાં પડેલી રોકડ હાલ ક્યાંક રોકાણ કરવાના હોવાથી લેવા માટે ગયા હતા. જગ્યા પર મૂકેલી આશરે દોઢેક કરોડની રોકડ ગાયબ જોઈ તેઓ ચોંકી ગયા હતા. પિતાએ પુત્રને પૂછ્યું કે પૈસા ક્યાં ગયા? ત્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. જેથી પિતા સાથે મળી પોલીસમાં જાણ કરી હતી.
કોની કોની સામે ગુનો દાખલ થયો
(૧) લાખો ઉર્ફે ભરત બોઘાભાઇ સાટિયા
(૨) ભોળો બોઘાભાઇ સાટિયા
(૩) વિજય બોઘાભાઇ સાટિયા (ત્રણેય રહે., સોનલ પાર્ક, આંબા તલાવડી, કતારગામ, સુરત)
(૪) સાગર સાટિયા ભરવાડ (રહે., ૧૪૨, નંદનવન સોસાયટી, બાપા સીતારામ ચોક, કતારગામ)
(૫) ભોલા મેર
(૬) કાનો સાટિયા
(૭) કરણ ત્રિવેદી (રહે.,બંબાગેટ સોસાયટી, કતારગામ)
(૮) જેનિશ કલસરિયા (રહે., વૃંદાવન સોસાયટી, સુરત)
(૯) રામો સાટિયા (રહે.,નંદનવન સોસાયટી, બાપા સીતારામ ચોક, કતારગામ)
(૧૦) જયદીપ અરવિંદભાઇ ટાંક (રહે. ૧૩૭, લલીતા પાર્ક સોસાયટી, લલીતા ચોકડી કતારાગામ)