Dakshin Gujarat

અંકલેશ્વરના હવામહેલ પાસે ટ્રાવેલ્સ બસમાંથી ચાર લોકો વિદેશી દારૂ ઉતારી રહ્યાં હતા અને..

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકનો (Police Station) સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરીમાં મહારાષ્ટ્રથી રાજસ્થાન વિદેશી દારૂ (Alcohol) લઈ જવાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે બી-ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નં.48 (Nation Highway) ઉપર આવેલા હવામહેલ ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન શ્રી ચામુંડા ટ્રાવેલ્સની લક્ઝરી બસ આવીને ઊભી રહી હતી અને તેમાંથી એક શખ્સ ઊતરીને બસના પાછળના ભાગે ડીકીમાં મૂકેલા થેલા ઉતારી ત્યાં આવી પહોંચેલી રિક્ષામાં મૂકતા સમયે પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યાં હતાં.

પોલીસે થેલાઓની તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રાવેલ્સ બસના રાજસ્થાનના ક્લીનર પપિયારામ પકારામ પંચાલ, અંકલેશ્વરના ચૌર્યાસી ભાગોળમાં રહેતા તુષાર નરેશ ગુજ્જર, રાહુલ પ્રકાશ ગુજ્જર અને આકાશ ટેનીયા વસાવાની ધરપકડ કરી હતી. એ સાથે પોલીસે રૂ.25 હજાર ઉપરાંતનો દારૂ અને રૂ.45 હજારના 3 નંગ મોબાઈલ તેમજ રૂ.1.50 લાખની રિક્ષા મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડોદરા ચાર રસ્તા નજીક અફીણના રસ સાથે એક ઝડપાયો
પલસાણા: સુરત ગ્રામ્ય એલીસીબીની ટીમને બાતમી મળી હતી કે, કડોદરા ચાર રસ્તા નજીક બારડોલી તરફ જવાના રોડ ૫૨ એક ઇસમ અફીણનો રસ લઇ ઊભો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર જઇ એક ઇસમને ૨૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરા નગર વિસ્તારમાં સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, કડોદરા ચાર રસ્તા નજીક બારડોલી જવાના રોડ પર ચામુંડા હોટલની સામે રિક્ષા સ્ટેન્ડ પાસે એક ઇસમ અફીણનો રસ લઇ ઊભો છે. જે બાતમી મળતાં એસઓજીની ટીમે સ્થળ પર જઇ શંકરરામ મોહનરામ સુથાર(મારવાડી) (ઉં.વ.૩૬) (રહે., સિટી પોઇન્ટ એપાર્ટમેન્ટ, રોયલ પાર્ક સોસાયટી, બાબેન, તા.બારડોલી)ને અફીણના રસ ૧૧૨.૭૩ ગ્રામ કિંમત ૧૧૨૭૩ રૂપિયા અને એક મોબાઇલ કિંમત ૧૦ હજાર, રોકડ રૂ.૧૨૦ મળી કુલ ૨૧,૩૯૩ રૂપિયાના મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડ્યો હતો. અફીણના રસ અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે પોતે અફીણનું સેવન કરતો હોવાથી રામલાલ ઉર્ફે રામા (રહે., કાનોડ, જિ.ઉદેપુર, રાજસ્થાન) પાસેથી લાવ્યો હતો. આથી પોલીસે રામલાલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.


Most Popular

To Top