વડોદરા: વડોદરાના લાલબાગ સ્વિમિંગપુલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી દુર્ગંધ મારતા સભ્યોએ કોર્પોરેટરને ફરિયાદ કરી હતી. જેથી તુરંત કોર્પોરેટર સ્વિમિંગપુલ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્વિમિંગપુલની સાફસફાઈ કરવા આદેશ આપ્યા હતા. મહાનગર પાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે બેદરકારી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. શહેરના લાલબાગ સ્વિમિંગપુલમાં છેલ્લા પાંચ દિવસ ઉપરાંત થી પાણી દુર્ગંધ મારી રહ્યું છે. આ મામલે સભ્યોની અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા સભ્યો દ્વારા સ્થાનિક કોર્પોરેટર શૈલેષ પાટીલને રજૂઆત કરાઈ હતી.
લાલબાગ સ્વિમિંગ પુલના સભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અમે વહેલી સવારે લાલબાગ સ્વિમિંગ પુલમાં આવીએ છીએ અને છેલ્લા કેટલાક દિવસથી પાણી એકદમ ગંધાઇ રહ્યું હતું. વાસ મારતી હતી. એટલે અમે સવારે કાઉન્સિલરને ફોન કરીને આ મામલે જાણ કરી છે. પાણી ગંદુ હોવાથી જેટલા પણ સ્વીમરો છે એ બધાને ઘણી તકલીફો પડી રહી છે. જ્યારે કોર્પોરેટર શૈલેષ પાટીલ તુરત સ્વિમિંગ પુલ ખાતે દોડી આવ્યા હતા અને જાત તપાસ કરી હતી અને સભ્યોની વાતમાં તથ્ય ગણાતા તેમણે તાત્કાલિક અસરથી સ્વીમીંગ પુલની સાફ-સફાઈ કરવા આદેશ આપ્યા હતા.