અનાવલ: (Anaval) મહુવા તાલુકાના ઝેરવાવરા ઝરી ફળિયા ખાતે આવેલ પાણીની ટાંકી (Water Tank) પર બેસેલ મધપૂડાની માખીઓ (Honey-bee) છંછેડાતાં અંતિમસંસ્કાર અર્થે આવેલ ૫૦ થી વધુ લોકોને ડંખ મારતા લોકોની તબિયત ખરાબ થવાની સાથે ભયનો માહોલ સર્જાયો છે.
- મહુવાના ઝેરવાવરા પાણીની ટાંકી ખાતે મધમાખીઓએ અનેક લોકોને ડંખતા ભયનો માહોલ
- સ્મશાનભૂમીમાં અંતિમક્રિયા માટે આવેલ ૫૦ થી વધુ લોકો પર મધમાખીઓ ત્રાટકતા મચી દોડધામ
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ઝેરવાવરાના ઝરી ખાતે પાણી પુરવઠા યોજનાની મોટી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટાંકી પર લગભગ 2014ના વર્ષથી મધમાખીઓ દ્વારા 8 થી 10 મધપૂડા બનાવવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી આ મધમાખીઓ સ્થાનિકો માટે અડચણરૂપ નહીં બની હતી જેના કારણે આ મધપૂડાને છેડવામાં આવ્યા ન હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મધપૂડાની માખીઓએ અગમ્ય કારણોસર છંછેડાઈ આંતક મચાવ્યો છે. આ ટાંકીની આજુબાજુથી પસાર થનાર અનેક લોકો મધમાખીના ડંખના શિકાર બની ચુક્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે સ્થાનિક રહીશનું મૃત્યુ થતા પાણીની ટાંકી નજીક આવેલ સ્માશનભૂમિમાં લોકો અંતિમસંસ્કાર માટે આવ્યા હતા. તે દરમિયાન મધમાખીના ઝુંડે અંતિમસંસ્કાર માટે આવેલ લોકો પર કહેર વરસાવતાની સાથે જ ૫૦ થી વધુ લોકોને ડંખ મારતા જ દોડધામ મચી જવા પામી હતી. તો અંતિમક્રિયા માટે લોકોએ ઉભા રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. મધમાખીના અચાનકના હુમલાથી અનેક લોકોની તબિયત લથડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
હાલ તો આ પાણીની ટાંકીના મધપૂડાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક આગેવાનો દ્વારા આ બાબતે સલગ્ન તંત્રને જાણ કરવામાં આવી છે ત્યારે કોઈ મોટી જીવલેણ દુર્ઘટના સર્જાય તે પહેલાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.