વડોદરા : અમુલ ડેરી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારાના 12માં દિવસે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો જોકે ડેરીએ સૌથી વધુ ખપત ધરાવતા અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિના ભાવ યથાવત્ રાખ્યા છે જેને લઈ સામાન્ય લોકોને રાહત થશે બરોડા ડેરીના આ નિર્ણયથી વિરોધીઓને સત્તાધીશોએ ‘મામા’ બનાવ્યા હોવાની ચર્ચાઓ હવે જોર પકડી રહી છે. મહાશિવરાત્રી પહેલા જ ગુજરાત મિલ્ક ફેડરેશને દૂધમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો જેને પગલે અમુલ ડેરીએ બે રૂપિયા ભાવ વધાર્યો હતો પરંતુ બરોડા ડેરી દ્વારા તે સમયે કોઈ ભાવ કર્યો ન હતો પરંતુ અમુલ ડેરીના ભાવવધારાના 12 દિવસે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાના અધ્યક્ષ સ્થાને મળેલી નિયામક મંડળની બેઠકમાં લાંબી ચર્ચાના અંતે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
જોકે ડેરીએ ભાવ વધારાનો વચલો રસ્તો પણ શોધી કાઢ્યો હતો અને અમૂલ ગોલ્ડ તેમજ અમૂલ શક્તિના ભાવ વધાર્યા ન હતા બરોડા ડેરીએ અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ, અમુલ તાજા અને અમૂલ ગાયના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો સાથે જ પાંચ લિટરના અમૂલ ગોલ્ડ પર પણ બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.ભાવ વધારા અંગે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાએ જણાવ્યું હતું કે ભાવ વધારો કરવો જરૂરી હતો દૂધ કુવામાંથી નીકળતું નથી પશુપાલકોને ખૂબ જ મહેનત કરવી પડે છે તેમ છતાંય અમે વડોદરાના સામાન્ય લોકોને પણ નજરમાં રાખી દૂધના ભાવ વધારામાં બેલેન્સ જળવાય એવો પ્રયાસ કરે છે. ગોલ્ડ અને શક્તિમાં કોઈ પણ જાતનો ભાવ વધારો કરાયો નથી. યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા જણાવ્યું હતું કે બરોડા ડેરી 8 માસથી વડોદરાના નગરજનો પાસે વધુ ભાવ લેતી હતી હવે ભવિષ્યમાં પણ જો બરોડા ડેરી ખોટા નિર્ણય લઈ ભાવ વધારશે તો તો યુથ કોંગ્રેસ ફરી આંદોલન કરશે.
- બરોડા ડેરીમાં રોજ કયા દૂધની કેટલી ખપત થાય છે
- અમુલ ગોલ્ડ, 2.75 લાખ લીટર
- અમુલ શક્તિ, 1.60 લાખ લીટર
- સ્લિમ એન્ડ ટ્રિમ, 15 હજાર લીટર
- અમુલ તાજા, 25 હજાર લીટર
- અમુલ ગાયનું દૂધ, 25 હજાર લીટર
- અમુલ ગોલ્ડ, ૬ હજાર લીટર
(5લીટર પાઉચ)
મીઠાઈ ‘કડવી’ લાગી શકે છે
પાંચ લિટરના પાઉચ પર બે રૂપિયાનો વધારો કરતાં હવે દૂધની બનાવટ વળી વસ્તુઓના ભાવ વધી શકે છે ખાસ કરીને મીઠાઈ ચોકલેટ સહિત પ્રોડક્ટના ભાવમાં વધારો થાય તેમ લાગે છે જ્યારે દુકાનો લારીઓ મળતી ચાના ભાવ પણ વધારો થઇ શકે છે.