વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતવરણ માં પલટા સાથે અંદાજિત 50 થી 60 કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડાના પગલે સમગ્ર શહેર ધૂળની ડમરીઓથી ઢંકાઇ ગયું હતું ગાજ-વીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે ઠેર-ઠેર હોર્ડીંગ્સો, સોલાર પેનલો ઉડી ગઇ હતી અને અનેક સ્થળે વૃક્ષો ધરાશય થઇ ગયા હતા સાથે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી તા.5 જુન સુધીમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
દરમિયાન છેલ્લા બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે વહેલી સવારે વાવાઝોડું શરૂ થયું હતું અને શહેરના માર્ગો અને ખૂલ્લા મેદાનોમાંથી ઉઠેલી માટીની ડમરીઓથી વડોદરા શહેર ઢંકાઇ ગયું હતું અને વહેલી સવારે વાવાઝોડા અને ગાજ-વીજ સાથે ભારે વરસાદને ખાબક્યો હતો ધોધમાર વરસાદથી અને અંદાજિત 50 થી 60 કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવન થી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઇ હતી.ભારે પવન ફૂંકાવાના ની સાથે ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં સવારથી જ વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો સાથે અનેક વિસ્તારોમાં હોર્ડીંગ્સો જમીન દોસ્ત થઇ ગયા હતા ઠેર-ઠેર વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા.
વાવાઝોડાના કારણે વીજકરંટ લાગતા એકનું મોત
મળેલી માહિતી પ્રમાણે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાણીની બોટલ બનાવતી કંપનીમાં કામ કરતો ક્રિષ્ના ચુનારા સવારે વરસાદ બંધ થતા કંપનીમાં તેનો બાકી નીકળતો પગાર લેવા મિત્ર સાથે ગયો હતો. રસ્તામાં આવતા વીજ થાંભલા નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે વીજ થાંભલાનો કરંટ થાંભલા ઉપરથી પાણીના ખાબોચીયાં ઉતરતા તેણે કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તે સ્થળ પરજ ઢળી પડ્યો હતો.
અટલબ્રિજની દીવાલ એક જ વરસાદમાં ધ્વસ્ત
વહેલી સવારે આવેલા પ્રચંડ વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં વડોદરા બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર આવેલા દેણા ફ્લાય ઓવર બ્રિજ ઉપર લગાવવામાં આવેલી સોલાર લાઇટના પાંચ જેટલા પોલ તૂટી ગયા હતા, અને લાઇટના પોલ સોલાર પેનલો ઉપર પડતા ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે આ ઉપરાંત ભારે વાવાઝોડાના કારણે શહેરના સૌથી લાંબા અને પાંચ માસ પહેલાં જ લોકાર્પણ કરાયેલા અટલ બ્રિજની સેફ્ટી ધરાશયી થઇ ગઇ હતી.
શહેરમાં 70 ઉપરાંત નાના-મોટા વૃક્ષોનો કચ્છરઘાણ
વહેલી સવારે પ્રચંડ વાવાઝાડા સાથે વરસેલા વરસાદમાં શહેરમાં 70 ઉપરાંત નાના-મોટા વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. જ્યારે 15 જેટલા હોર્ડિગ્સ જમીન દોસ્ત થઇ ગયા હતા. વડોદરા નજીક કોયલી ગામમાં એક ઝાડ પડતા એક પશુ દબાયુ હતું. વહેલી સવારે વાવાઝોડું શરૂ થતાં ફાયર બ્રિગેડ અને એમ.જી.વી.સી.એલ.ની ટીમો તૈનાત થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે વૃક્ષો જમીન દોસ્ત થવાના કારણે અને હોર્ડિગ્સો જમીન દોસ્ત થવાના કારણે કોઇ જાનહાની થઇ નથી.