અંબાજી: નવરાત્રિના શુભ પર્વના પ્રારંભ સાથે આજે સોમવારે વહેલી સવારથી જ યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મા અંબાના ચરણોમાં નતમસ્તક થઈ આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાળુઓનો યાત્રાધામમાં ઘોડાપુર ઉમટ્યો છે. મળસ્કેથી જ અંબાજીના માર્ગો ભક્તોની ભીડથી ઉભરાઈ ગયા છે. ચારે તરફ બોલ મારી અંબે, જય જય અંબે..ના નાદ સંભળાઈ રહ્યો છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન મા જગતજનની અંબાના ધામ અંબાજીનું મંદિર ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. સોમવારે નવરાત્રિના પહેલાં દિવસથી જ માઈ ભક્તો અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરવા ઉત્સુક જણાયા હતા. ઘણા ભક્તોએ મળસ્કે પહેલી આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા અંબાના દર્શન અને મા અંબાની આરાધના કરવા માટે મોટી સંખ્યામાં લોકો અંબાજી તરફ જઈ રહ્યાં છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન કરવામાં આવશે. ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનાની વિધિ યોજવામાં આવશે.
તમને જણાવી દઈએ કે દર વર્ષે નવરાત્રિમાં ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશથી ભક્તો મા અંબેના દર્શન માટે અંબાજી આવતા હોય છે. ઘણા ભક્તો પગપાળા પણ અંબાજી સુધી આવતા હોય છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં ધામધૂમ પૂર્વક નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હોય ભક્તોમાં અંબાજીના દર્શન માટે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે નવરાત્રિમાં વરસાદની આગાહી
આજે સોમવારે પહેલું નોરતું છે ત્યારે વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો હોય ખૈલેયાઓના મનમાં નવસારી બગડશે તેવી ચિંતા ઉભી થઈ છે. ત્યારે અમદાવાદના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે જેના લીધે ખૈલેયાઓનું ટેન્શન વધી જશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે તા. 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવરાત્રિમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડશે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. 5 ઓક્ટોબર સુધી દરિયામાં પવનોનું જોર વધશે અને 8થી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસારમાં હવાનું હળવું દબાણ ઉભું થશે, તેથી ચક્રવાતની શક્યતા બને.