Columns

આસુરી વૃત્તિઓને ડામવાનું પર્વ નવરાત્રી

નવરાત્રીનું પર્વ શક્તિ ઉપાસનાનું પર્વ છે. સાથે આસુરી વૃત્તિઓ ડામવાનું પર્વ પણ છે. પૃથ્વી પર આસુરી વૃત્તિઓ જ્યારે જ્યારે વધી જાય છે ત્યારે દેવીશક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે પ્રગટ થાય છે અને આસુરી તત્ત્વો કે આસુરી વૃત્તિઓનો નાશ કરે છે. એ બાબતને પુરાણો પણ સમર્થન આપે છે. માનવીમાં આસુરી તત્ત્વો કે વૃત્તિઓનો પ્રવેશ થાય ત્યારે એ માનવી મટી અસુર યાને રાક્ષસ બની જાય છે.

એ વૃત્તિઓને માનસિક તૃષ્ણાઓ હોય છે જે શરીર પર કબજો લઈ રાક્ષસી પ્રવૃત્તિ કરાવે છે પણ ધર્મની રક્ષા કરનાર શક્તિનું જગત પર એક અગોચર-અવિનાશી નિયંત્રણ છે અને અધર્મને રોકવા એ સતત જાગૃત રહે છે એટલે નવરાત્રીની આરાધના રાત્રીના સમયે જાગૃત રહી માનસિક જાગૃતિ માટે, સ્વજાગૃતિ માટે કરાય છે. આમ તો સ્ત્રીએ શક્તિનું સ્વરૂપ જ છે. એનામાં પિંડ પેદા કરવાની અદ્દભુત શક્તિ છે. એ વિનાશક, સર્જક, પ્રેરક અને સહાયક બની શકે છે. એથી એ પૂજ્ય છે. માનવીય આસુરી વૃત્તિઓનો નાશ કરવા સ્ત્રી દુર્ગાસ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

વળી નવરાત્રીને જ્ઞાનસત્ર પણ ગણવામાં આવે છે. આ પર્વ દરમિયાન જ્ઞાન પ્રાપ્તિ માટે દેવી આરાધના કરવામાં આવે છે. આ સમગ્ર પર્વ ત્રિગુણી શક્તિ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની ઉપસનાનું પર્વ છે નવરત્રિ દરમિયાન મા દુર્ગાના નવસ્વરૂપોની પૂજા-સેવા કરાય છે. દુર્ગા શબ્દનો અર્થ પુરાણમાં જણાવ્યા અનુસાર ‘દ’કાર એટલે દૈત્ય નાશક, ‘ઉ’કાર વિઘ્નનાશક, રેફ-રોગનાશક, ‘ગ’કાર પાપનાશક અને ‘આ’કાર ભયનાશક, શત્રુનાશક થાય છે. તેથી દુર્ગા એ ‘દુર્ગતિ નાશિની’ કહેવાય છે. દુર્ગતિનો નાશ કરે એ દેવી દુર્ગા છે.

દેવી દુર્ગા ચંડી સ્વરૂપે, દસ શસ્ત્ર ધારિણી, સિંહ વાહિની, મહિષ મર્દિની છે. મહિષાસુર નામના અસુરનો વધ કરવા સ્વર્ગના દેવોએ પોતાના શસ્ત્રો-આયુધો શક્તિ સ્વરૂપા માને આપ્યાં અને માતાએ દુર્ગા સ્વરૂપ ધારણ કરી મૈસુર નજીક આવેલા ચામુંડા પર્વત પર રહેતા મહિષાસુરનો વધ કર્યો, ત્યારથી દેવી દુર્ગા મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયાં. એ અસુરના વધથી દેવો ઋષિઓ ભયમુક્ત બન્યા અને નવરાત્રીની શક્તિ ઉપાસનાની શરૂઆત થઈ. જો કે રામે પણ રાવણ સાથેના યુધ્ધ વખતે યુધ્ધમાં જતા પહેલાં શક્તિની આરાધના કરી હતી અને રાવણ હણાતાં વિજય મેળવ્યો, એ પર્વ દશેરા તરીકે ઉજવાયું.

દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયમાં મા દુર્ગાને અજર-અમર અને અજન્મા તથા સૃષ્ટિના મૂળરૂપ કહેવામાં આવ્યાં છે. એ દયા, ક્ષમા, નિદ્રા, સ્મૃતિ, ક્ષુધા, તૃષ્ણા, તૃપ્તિ, શ્રધ્ધા, ભક્તિ, ધૃનિ, મનિ, પૃષ્ટિ, તૃષ્ટિ, ક્રાન્તિ, શાંતિ અને લજ્જા વગેરે મા આદ્યશક્તિની વિવિધ શક્તિઓ અને ગુણો દર્શાવ્યાં છે. આ સઘળી શક્તિઓ બ્રહ્માંડનો આધાર છે. એ ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મી તરીકે અને શિવની સાથે પાર્વતીના રૂપમાં વિરાજે છે. પંચ મહાશક્તિ અને દસ મહાવિદ્યાઓ પણ દુર્ગાનાં જ સ્વરૂપો છે. મૂળે આદ્યશક્તિને પૂજતાં શાંતિ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય છે. એ વિજય અને સિધ્ધિની દાત્રી છે.

Most Popular

To Top