Dakshin Gujarat

ભરૂચમાં માનવીય લાપરવાહીના લીધે પૂર આવ્યું હોવાનો આક્ષેપ, મુખ્યમંત્રીને સીધી ફરિયાદ

HTML Button Generator


સુરત (Surat): સરદાર સરોવર ડેમમાંથી (SardarSarovarDam) મોટા જથ્થામાં પાણી છોડવામાં આવતા નર્મદા (Narmada) નદી છલકાઈ હતી, જેના પરિણામે ભરૂચ (Bharuch) પૂર (Flood) આવ્યું હતું. પૂરના પાણીના લીધે ભારે તબાહી સર્જાઈ છે. જાનમાલનું નુકસાન થયું છે. આ પૂર બાબતે એક સંસ્થાએ મોટો આક્ષેપ કર્યો છે. દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે કામ કરતી એક સંસ્થાએ ભરૂચમાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો આક્ષેપ કર્યો છે. આ સંસ્થાએ મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર લખી ભરૂચમાં પૂર માટે માનવીય લાપરવાહીને જવાબદાર ગણાવી છે.

રાજ્યમાં વર્ષ 2003થી કામ કરતી બ્રેકીસ વોટર રિસર્ચ સેન્ટર સંસ્થાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (GujaratCMBhupendraPatel) પત્રને ઈમેલ કર્યો છે. આ સંસ્થા દરિયા કિનારે રહેતા લોકોની આજીવિકા માટે, દરિયાઈ પર્યાવરણના રક્ષણ માટે કામ કરે છે. આ સંસ્થાએ મુખ્યમંત્રીને મોકલેલા ઈમેઈલમાં લખ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ સંચાલિત સરદાર સરોવર ડેમના અધિકારીઓને સૌથી મહત્વની અનુમાન અને આંકડાકીય માહિતી સરદાર સરોવર ડેમ માટે સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા 17 અને 18 તારીખે આપવામાં આવી હતી. જે મુજબ 33000 ક્યુમેક્સ (11 લાખ ક્યુસેક) પાણીના જથ્થાની જે આગાહી કરાઈ હતી. તેની સામે વાસ્તવિક પીક ઇનફ્લો 63950 ક્યુમેક્સ (22.58 લાખ ક્યુસેક) હતો. જે આગાહી કરતાં લગભગ બમણો જથ્થો ડેમમાં આવ્યો અને તેનાથી ડેમનું સંચાલન બગડી ગયું હતું. આ માટે ગુજરાત સરકારે સેન્ટ્રલ વોટર કમિશનના ખોટા કે ઓછા અનુમાન બાબતેનો મુદ્દો કેન્દ્ર સરકાર સાથે ઉપાડવાની જરૂર છે અને રાજ્ય સરકાર ઉપાડશે તેવી માંગ છે.

રૂલ કર્વનું પાલન અધિકારીઓ કોઈપણ જાતની રાજકીય સૂચના વિના સુનિશ્ચિત કરે તે જોવાનું કામ રાજ્ય સરકારનું છે અને તેને ગંભીરતાથી રાજકીય બાબતો અને હસ્તક્ષેપથી પર રાખવા અમારી જાહેરહિતમાં માંગ છે. સરદાર સરોવર નર્મદા નિગમના તમામ ડિરેક્ટરો આ બાબત માટે જવાબદાર છે અને તેમની જવાબદારીમાંથી તેઓ છટકી શકે નહીં. આ પૂર દુર્ઘટના ચોક્કસ ટાળી શકાય એવી હતી એ બાબત નિ:શંક અને નિર્વિવાદ છે એમ સંસ્થાએ પત્રમાં આક્ષેપ કર્યો છે.

નિગમે 14 તારીખથી આયોજન કર્યું હોત તો પૂર નહીં આવતે: બ્રેકકીશ સંસ્થા
બ્રેકીસ વોટર રિસર્ચ સંસ્થાએ પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે, જો નિગમે 14 તારીખથી આયોજન કર્યું હોત તો આ પાણીનો આવરો મેનેજ કરી શકાયો હોત. નિગમે કોઈ પગલાં લીધા નહોતા અને બેસી રહ્યું હતું. આ પૂર માનવસર્જિત હોવાનું સ્પષ્ટ પણે માની શકાય. નિગમના અધિકારીઓએ આઈએમડીના હવામાન અનુમાન, વરસાદના આંકડાઓ, CWC ના આંકડાઓ, ઉપરવાસમાંથી આવતા ફ્લો પર સતત આ બાબતે નજર રાખી નહીં હોવાનો તથા જરૂરી આગોતરા પગલાં લીધા નથી હોવાનું ઉપલબ્ધ માહિતી આંકડાઓ પરથી દેખાઈ આવે છે.

સરદાર સરોવર નર્મદા નિગમની ભયંકર ભૂલના લીધે પૂર આવ્યાનો આક્ષેપ
વધુમાં સંસ્થાએ આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકારનું અનુમાન ખોટું અને અડધું હતું પરંતુ ડેમના સંચાલન માટે જે તે નિયમો મુજબ રૂલ કર્વને ફોલો કરવાની અને ઉપરવાસમાં નજર રાખવાની જવાબદારી અને ફરજ રાજ્ય અને સરદાર સરોવર નર્મદા નિગમની પણ હતી. જેમાં ભયંકર ચૂક થયેલ છે. જેનું હવે પરિણામ જાહેર જનતાએ નુકશાન રૂપે ભોગવવાનું રહે છે. ઉપરવાસમાં આવેલ તમામ ડેમ, પડેલ વરસાદના આંકડા, દરેક ડેમના સ્તર, દરેક ડેમ માંથી નીકળતું પાણી અને ડેમ મેનેજમેન્ટને લગતી પળેપળની તમામ માહિતીğ/આંકડાઓ કેન્દ્ર સરકારની વેબ સાઇટ પર અને જાહેરમાં ઉપલબ્ધ હતી. પણ દુર્ભાગ્યવશ આ માહિતીનો ઉપયોગ નિગમે ન કર્યો અને પૂર લાવી દીધું.

બરગી ડેમના દરવાજા 14મીએ જ ખોલી દેવાયા હતા
સંસ્થા પત્રમાં વધુમાં લખે છે કે, નર્મદા પરના બરગી ડેમના દરવાજા 14 મી સપ્ટેમ્બરે પહેલેથી જ ખોલી દેવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં, નર્મદા પરના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ બંનેના સ્તરમાં વધારો થવાનું શરૂ થઈ ગયું હતું જે CWC દ્વારા જણાવાયેલ માહિતી છે. ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર બંને ડેમ 15 સપ્ટેમ્બરના રોજ મોડે સુધી તેમના FRL (સંપૂર્ણ જળાશય સ્તર) ની નજીક હતા, બર્ડી ડેમ પહેલાથી જ FRL પર પહોંચી ગયો હતો. આ તમામ ઉચ્ચ સ્તરો પણ સ્પષ્ટપણે રૂલ કર્વ લિમિટ કરતાં વધુ ભરાયેલ હતા. તે જોઈ નિગમે કાંઈ જ કર્યું નહીં. સપ્ટેમ્બર 14 અને 15 ના રોજ સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવાનું શરૂ કરી દેવું જોઈતુ હતું કેમ કે ઉપરવાસના ડેમ છલોછલ ભરાયેલ હતા અને વધુ પાણીની કુલ આવક એ સરદાર સરોવર ડેમ નીજ આવક થવાની હતી. આવી જાણકારી હોવા છતાં તેમણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલ્યા નહીં અને બેસી રહ્યા અને ડેમની ઊંચાઈ વધારતા રહ્યા. જેથી એક સાથે પાણીનો આવરો આવ્યે તેમણે પૂર પેદા કરવું પડ્યું.

મુખ્યમંત્રીના જીવને પણ જોખમમાં મુકાયાનો આક્ષેપ
18 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સધી સરદાર સરોવર ડેમના સંચાલકોએ કોઈ ગેટ ખોલી પાણી છોડ્યું નહોતું. 16 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી સરદાર સરોવર ડેમના સંચાલકોએ કોઈ ગેટ ખોલી પાણી છોડ્યું નહોતું. હેઠવાસમાં પાણી ફક્ત રિવર બેડ પાવર હાઉસ (RBPH) અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)માંથી જતું હતું અને તે ફક્ત 400 ક્યુમેક ( ૧૪,૧૨૫ ક્યુસેક) હતું. આ બધામાં ૧૭ મીએ મુખ્યમંત્રી આવનાર હોવાનું જાણવા છતાં અને પરિસ્થિતિઓ ગંભીર હોવા છતાં નિગમ ચૂપ રહ્યું અને આવનાર પૂરનું કારણ બન્યું સાથેજ મુખ્યમંત્રીની સલામતીને પણ જોખમમાં નાખી.

72 કલાક હાથ પર હાથ રાખી બેસી રહ્યાં અને પછી એકસાથે પાણી છોડતા માનવસર્જિત પૂર આવ્યું હોવાનો આક્ષેપ
લગભગ ૪૮ થી ૭૨ કલાકની નિષ્ક્રિયતાનો આ સમયગાળો કે જે પાણી છોડવા માટે પૂરતો હતો અને પૂર ટાળી શકાયું હોત. તેમાં નિગમ તદ્દન લાપરવાહ સાબિત થયું હતું અને ડેમમાં તે સમય દરમિયાન પાણી ભરાવો વધી ગયો હતો. અંતે તા ૧૭ મીએ એકસામટું પર,૭૦૬ ક્યુમેક્સ (૧૮,૭૬ લાખ ક્યુસેક) પાણી એક સાથે છોડયું જે બપોરે ૧ વાગ્યા સુધી વધી ૬૩૯૫૦ ક્યુમેક્સ (૨૨.૫૮ લાખ ક્યુસેક) સુધી પહોંચી ગયું અને તેણે માનવસર્જિત પૂર જિલ્લાને બરબાદ કરી નાંખ્યો છે.

નિગમના અધિકારીઓએ મુખ્યમંત્રીને ગેરમાર્ગે દોર્યા હોય તો તેની તપાસ થાય તેવી માંગ
સંસ્થાએ કહ્યું કે, સરદાર સરોવર ડેમના સંચાલકોએ મુખ્યમંત્રીને ડેમ ભરેલો બતાવવા, અધિકારીઓએ પ્રમોશન મેળવવા કે રાજકીય સૂચનાથી ડેમને ૧૩૮.૬૮ મીટર FRL સુધી પહોંચે ત્યાં સુધી ભર્યો હોય શકે છે. પાણીનું સ્તર FRL પર પહોંચ્યું ત્યાર બાદ પાણીનો આવરો એટલો આવ્યો કે નિગમ પાસે પૂર લાવ્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જેની સ્પષ્ટતા અને તપાસ ખૂબ જરૂરી છે. આ સાથે સંસ્થાએ માંગ કરી છે કે ઘટના સ્થળે પધારેલા રાજ્યના મુખ્યમંત્રીને તો સરદાર સરોવર નર્મદા નિગમના સંચાલકો દ્વારા ગેરમાર્ગે તો દોરવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.

Most Popular

To Top