ભાજપની સમગ્ર ભ્રષ્ટ મંડળીમાં એક નીતિન ગડકરી તરફ થોડું આશાનું કિરણ દેખાતું હતું, પરંતુ થોડાક વખતથી તેમના દિકરાઓના કરોડો રૂપિયાના કાળાધોળા કારોબારથી એ આશાનું કિરણ પણ ઝબકીને હોલવાતું દેખાય રહ્યું છે. ગડકરી કહેતાં હતા કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી દેશનું હુંડિયામણ બચશે, પેટ્રોલ સસ્તું થશે, વાહનની એવરેજ વધશે, (જોકે વાહન એક્સપર્ટનું કહેવું છે કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી વાહનની આવરદા ઘટી શકે છે.) નીતિન ગડકરી પર જ્યારે દિકરાઓના ધંધાને ફાયદો કરાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો ત્યારે બચાવ કરતા તેમણે કહ્યું કે, હું કંઈ આ પૈસા કમાવવા માટે નથી કહેતો, મારું મગજ દર મહિને ૨૦૦ કરોડ રૂપિયા કમાઈ શકે એવું સક્ષમ છે.
જો રાજકારણમાં પડ્યા વગર તમારું મગજ મહિને ૨૦૦ કરોડ કમાઈ શકતું હોય તો પછી રાજકારણમાં આવવાની જરૂર શું હતી? પેટ્રોલમાં ઇથેનોલ મેળવીને વેચાણ થાય છે છતાં પ્રજાને સસ્તુ પેટ્રોલ મળતું નથી, સસ્તુ ક્રૂડ ખરીદાયુ છતાંય પ્રજાને સસ્તુ પેટ્રોલ-ડીઝલ મળ્યું નહીં. શા માટે સરકાર પેટ્રોલ પંપ પર ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ અને શુદ્ધ પેટ્રોલ એમ બે અલગ ભાવથી પેટ્રોલ વેચતી નથી? જેમ વેપારીઓ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરે છે એમ સરકાર પેટ્રોલમાં ભેળસેળ કરે તો પ્રજાએ ક્યાં જવું? કાયમ કોંગ્રેસના વંશવાદની ટીકા કરતી સમગ્ર ભાજપ મંડળી અત્યારે પોતાના સંતાનો કરોડો રૂપિયામાં આળોટી શકે એવી જોગવાઈ કરવામાં મશગુલ છે.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.