સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા બે દિવસનાં વિરામ બાદ વરસાદે (Rain) ફરી એન્ટ્રી કરતા વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા (Saputara), આહવા, કાલીબેલ, ભેંસકાતરી, બરડીપાડા, સિંગાણા, ચીંચલી, મોરઝીરા, બોરખલ, ગલકુંડ સહિતનાં પંથકોમાં સોમવારે દિવસ દરમ્યાન ઝરમરીયા વરસાદની હેલીઓ યથાવત રહી હતી. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુએ વિધિવત રીતે આગમન થઈ જતા અમુક ડાંગી ખેડૂતોએ ખેતરોમાં ડાંગરનાં બિયારણને ઓરવાની શરૂઆત કરી દીધી છે.
ગિરિમથક સાપુતારામાં આજે ગાઢ ધૂમ્મસ છવાતા જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો મીની કાશ્મીર જેવા ભાસી ઉઠ્યા હતા. જેને પગલે પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સોમવારે સાપુતારામાં ધૂમમ્સીયા વાતાવરણમાં પ્રવાસી વાહનચાલકોને વાહનોની હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત ઉઠી હતી. સોમવારે ડાંગ જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર સુબિર અને વઘઇ ગામ વરસાદ વિના કોરોકટ નોંધાયા હતા. જ્યારે આહવા પંથકમાં 03 મિમી તેમજ સાપુતારા પંથકમાં 04 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.
પારડીમાં ભારે વરસાદ, હાઇવે પર પાણીનો ભરાવો
પારડી : પારડી પંથકમાં આજે મેઘરાજાની ધમાકેદાર 3.2 ઇંચ વરસાદની બેટિંગ અને સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરના માર્ગો અને હાઈવે પર પાણી ભરાયા અને રસ્તાઓ પર વૃક્ષો ધરાશાઈ થયા હતા. સોમવારે સવારથી અવિરત પણે વરસી રહેલા વરસાદને કારણે પારડીમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેમાં પારનદી ચંદ્રપુર હાઈવે બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હાઈવે ઓથોરીટીને બેદરકારીને કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પારડી પોલીસ કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાઇવે પર લાકડીનાં દંડા વડે પાણીના નિકાલ માટે કામગીરી કરતા જોવા મળ્યા હતા. હાઇવે ઓથોરિટીની આવી બેદરકારીને લઇ માત્ર બે દિવસ પડેલા વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ત્યારે આગામી સમયમાં ભારે વરસાદમાં હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય તો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવશે તેવી બૂમ ઉઠી હતી. ભારે વરસાદથી હાઇવે તેમજ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા હતા. જો કે આજે પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી.
- ઠેર ઠેર પાણી ભરાયા, વૃક્ષ ધરાશાઈ
આ ઉપરાંત ગાજવીજ પવનના સુસવાટા સાથે પડેલા વરસાદને કારણે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ નજીક પારડીથી પારનદી તરફ જતા સર્વિસ રોડ પર એક વૃક્ષ ધરાશઈ થયા હતા. ત્યારે અહીંથી પસાર થતા વાહનચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પારડીમાં વિવિધ જગ્યાએ રશ્મી સોસાયટી પાસે, સુલભનગર, ૐકાર એપાર્ટમેન્ટ પાસે, પારડી ચંદ્રપુર હાઈવે પર પાણી ભરાયા હતા. - ગ્રામ્ય વિસ્તાર વરસાદથી તરબોળ
આ સાથે પારડી તાલુકાના વિવિધ ગામડાઓમાં બાલદા, નાના વાઘછીપા, ઉમરસાડી, કીકરલા, કોલક, પલસાણા રોહીણા, પરીયા વગેરે વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે આગામી દિવસમાં ખેડૂતો ધરૂ રોપવાની કામગીરી હાથ ધરશે અને આગામી દિવસોમાં પણ વરસાદ સારો રહે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી.