સુરત(Surat): સુરત ફાયર સેફટી (Fire Safety) ને લઈ ફાયર વિભાગ દ્વારા રાંદેરના ગુજ્જુ બજાર (GujjuBazar) ફર્નિચર મોલને (Furniture Mall) સીલ (Seal) મારી દેવાયું હતું. ફાયર ઑફિસરે જણાવ્યું હતું કે, અગાઉ ફાયર વિભાગ ધ્વારા કરાયેલા સર્વે કામગીરીમાં અપુરતી ફાયર રોફટી સીસ્ટમ અને પુરતા સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોવાથી નોટિસ અપાઈ હતી. તેમછતાં ફાયરની નોટીસની અવગણના કરાતા આખરે સીલ મારી દેવા મજબુર બન્યા છે.
ફાયર વિભાગ સૂત્રોના જણાવ્યા અનુસાર વેપાર-ધંધા અને રહેણાક વિસ્તારની સુવિધા માટે ફાયર વિભાગ કામ કરી રહ્યું છે. અપૂરતી ફાયર સુવિધા કે ફાયર ના સાધનો વગર ચાલતા વેપાર-ધંધા ને પ્રથમ નોટિસ આપી એલર્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ સીલ મારી આવા બેજવાબદાર લોકોની શાન ઠેકાણે લાવવાનું કામ કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, ગૌરવ પથ પાલ રોડ પર શેવિયોન શોપિંગ પેરેડાઈઝમાં આવેલા ગુજ્જુ બજાર ફર્નિચર મોલના સંચાલક-વહીવટદારો દ્વારા ફાયર સુવિધા નહી હોવાથી કે અપૂરતી હોવાનું સર્વે કરાયા બાદ આજ રોજ બુધવારે વહેલી સવારે સીલીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અગાઉ પાંચ હોટલોને સીલ કરાઈ હતી
સુરત: આ અગાઉ સોમવારે સુરત શહેરમાં પાંચ હોટલોને સીલ મારી દેવાયા હતા. આ હોટલોમાં નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો નહોતા. નોટીસ અપાયા બાદ પણ હોટલ સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં નહીં આવતા આખરે સુરત મહાનગરપાલિકા હેઠળના ફાયર વિભાગે હોટલોને સીલ મારી દીધું હતું.
ફાયર વિભાગે માય પી.જી. ગેસ્ટ હાઉસ, ગુલામબાબા મીલ કમ્પાઉન્ડ, રેલવે સ્ટેશનની સામે (10 રૂમ સીલ), હોટલ ડાયમંડ પ્લાઝા, કિંગ હેરીટેજ હોટલની બાજુમાં, દિલ્હીગેટ સુરત (6 રૂમ સીલ), હોટલ ગ્રાન્ડ વ્યુ, પાલનપુર કેનાલ રોડ સામે, કટારીયા વર્કશોપની સામે ઈન્ફિનિટી બિલ્ડિંગના ચોથા માળે (4 રૂમ સીલ), હોટલ બ્લુ બેરી રૂમ, રોયલ ટાઈટેનિયમ, પાલનપુર કેનાલ રોડ, સુરત, હોટલ સ્કાય પેલેસ, રોયલ ટાઈટેનિયમ પાલન પુર કેનાલ રોડ, સુરત (6 રૂમ સીલ)ને સીલ માર્યા હતા.