બે દાયકા બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોએ ફરી એકવાર કબ્જો જમાવી દીધો છે. બંદૂકના નાળચે તાલિબાનો શાસન કરી રહ્યાં છે, જેના લીધે દેશમાં અફરાતફરી મચી ગઈ છે. અનેક લોકો દેશ છોડી ભાગી રહ્યાં છે. મહિલાઓ માટે તાલિબાનો અનેક પ્રતિબંધો લાદી રહ્યાં છે ત્યારે હંમેશા તાલિબાનોની (Taliban) તરફેણ કરનાર એક દેશ તેઓની વિરુદ્ધ થઈ ગયા છે. મુસ્લિમ દેશ કતાર (Qatar) હાલમાં તાલિબાનોથી ખૂબ નારાજ છે.
કતારના એક ટોચના ડિપ્લોમેટે કહ્યું કે મહિલા શિક્ષણ બાબતે (Women Education) તાલિબાનોનું વલણ ખૂબ જ નિરાશાજનક છે. તાલિબાનોએ મહિલાઓ પર લાદેલા પ્રતિબંધો અફઘાનિસ્તાનને પાછળ ધકેલી દેશે. જો તાલિબાનો ઈસ્લામિક સિસ્ટમથી દેશને ચલાવવા માંગે છે તો તેઓએ કતાર પાસેથી શીખ લેવી જોઈએ.
કતાર દેશના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જોસેફ બોરેલ સાથે વાતચીત કરી ત્યારે અનેક મુદ્દાઓ સહિત અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહિલા શિક્ષણ પર પ્રતિબંધ એક દુ:ખદ બાબત છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યાં છે તે નિરાશાજનક છે. આનાથી અફઘાનિસ્તાનનો વિકાસ અટકી જશે.
નોંધનીય છે કે અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાન છોડી દીધું ત્યાર બાદ છેલ્લાં કેટલાંક અઠવાડિયાઓથી અફઘાનિસ્તાનમાં અફરાતફરી મચી ગઈ છે. આ સંવેદનશીલ સમયમાં કતર દેશ દ્વારા અફઘાનિસ્તાનની ઘણી મદદ કરવામાં આવી છે. કતાર એ કાબુલ એરપોર્ટના ઓપરેશન્સને સંભાળવામાં તાલિબાનોની મદદ કરી હતી. તે ઉપરાંત હજારો વિદેશીઓ અને અફઘાનીઓને દેશ છોડી જવામાં મદદ કરી હતી. તાલિબાનીઓના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મોકલનારા કતાર દુનિયાનો પહેલો દેશ છે.