સુરત: (Surat) સુરતના સેન્ટ્રલ જીએસટીના (CGST) અધિકારીઓ સામે અવારનવાર ભ્રષ્ટ્રાચારની (Corruption) ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આજે એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) સેન્ટ્રલ જીએસટીના સુપરિટેન્ડેન્ટ સહિત ત્રણ જણાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. એસીબી દ્વારા આ લાંચિયા અધિકારીઓની જીએસટીની ઓફિસમાં જ પરેડ કરાવવામાં આવી હતી, જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
- આરોપી : (૧) જસ્ટીન કાંતિલાલ માસ્ટર, સુપ્રિટેન્ડન્ટ,
સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ
એકસાઇઝ, નાનપુરા, સુરત, વર્ગ-ર - (૨) આશિષ રણવીરસિંહ ગેહલાવત, ઇન્સ્પેકટર,
સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ , નાનપુરા, સુરત, વર્ગ- ૨ - (૩) જીમ્મી વિજયકુમાર સોની (ખાનગી વ્યકિત)
- ગુનાનુ સ્થળ : સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ ,
સુરતની ઓફીસમાં, ચોથા માળે, નાનપુરા, સુરત
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં આવેલી યાર્નના વેપારીની પેઢીમાં સુરત સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના સુપરિટેન્ડેન્ટ જસ્ટીન કાંતિલાલ માસ્ટર અને ઈન્સ્પેક્ટર આશિષ રણવીરસિંહ ગેહલાવત વેરીફીકેશન માટે ગયા હતા. બંને અધિકારીઓએ દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા. તેમજ ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે કેમ લગાવ્યું નથી, તેવા સવાલો કર્યા હતા. ધંધો કર્યો તે અંગે રજુ કરેલા પુરાવાને પણ બંને અધિકારીઓએ ધ્યાને લીધો ન હતો. વેપારીને અત્યાર સુધી રૂપિયા ૩૮,૦૦,૦૦૦/- નો ધંધો કર્યો છે અને ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાની દમદાટી આપી કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. અધિકારીઓએ પેનલ્ટીની વાત કરી પહેલાં રૂપિયા 20 હજાર લાંચ માગી હતી. ત્યારબાદ સુરતના લંબે હનુમાન રોડ ઉપર આવેલા ફરીયાદીના ભાઇના સી.એ. ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બંને અધિકારીઓ આવ્યા હતા ત્યારે રકઝકના અંતે છેલ્લે રૂપિયા 15 હજાર લાંચ નક્કી થઈ હતી.
જે લાંચની રકમ ફરીયાદી યાર્નના વેપારી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જે ફરીયાદના આધારે સોમવારે તા. 11 એપ્રિલ 2022ના લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. ખાનગી વ્યક્તિ જીમ્મી વિજયકુમાર સોનીએ લાંચની રકમ સ્વીકારીને ઈન્સેપેક્ટર આશિષ ગેહલાવતને આપી ત્યારે એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કર્યો હોવાથી ત્રણેય આરોપીઓને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આખુંય ઓપરેશન એસીપી સુરતના પોલીસ ઈન્સપેક્ટર એ.કે. ચૌહાણે મદદનીશ નિયામક એન.પી. ગોહિલની નિગરાની હેઠળ પાર પાડ્યું હતું.