ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ ICC મેન્સ T20 પ્લેયર રેન્કિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે. એશિયા કપ 2025માં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનના કારણે 25 વર્ષીય ડાબોડી બેટ્સમેને 931 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા, જે તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેટિંગ છે અને તેણે 2020માં ઈંગ્લેન્ડના ડેવિડ મલાન (919)નો રેકોર્ડ તોડી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
એશિયા કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયેલા અભિષેકે ટુર્નામેન્ટ દરમિયાન સાત મેચમાં 314 રન બનાવ્યા હતા. તેની એવરેજ લગભગ 45 હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 200 હતો. આ સાતત્ય અને આક્રમકતાએ તેને નંબર વન T20 બેટ્સમેન તરીકેનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી.
શર્માએ સુપર ફોરમાં શ્રીલંકા સામે 61 અને બાંગ્લાદેશ સામે 75 રન બનાવ્યા હતા, જેના લીધે તેનું રેટિંગ 931 થયું. પાકિસ્તાન સામેની ફાઇનલમાં તે માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તેની પાછલી ઇનિંગ્સે ભારતને જીત અપાવી હતી.
કોહલીનો રેકોર્ડ પણ તૂટી ગયો
આ પ્રદર્શન સાથે તેણે માત્ર માલનને પાછળ છોડી દીધો છે એટલું જ નહીં પરંતુ ભારતીય બેટિંગ દિગ્ગજ વિરાટ કોહલીના 909 પોઈન્ટના કારકિર્દીના સર્વોચ્ચ રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે. તે ભારતની નવી આક્રમક T20 વ્યૂહરચનાની સફળતામાં મોટું યોગદાન આપે છે. ટોચના ક્રમમાં શર્માની વિસ્ફોટક બેટિંગ ભારતીય ટીમની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
અન્ય ભારતીય ખેલાડીઓના રેન્કિંગમાં પણ ફેરફાર થયા
ભારતીય ખેલાડીઓના રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે. તિલક વર્મા 28 પોઈન્ટના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચ્યો છે. તે ફિલ સોલ્ટથી 25 પોઈન્ટ પાછળ છે. સૂર્યકુમાર યાદવ ખરાબ ફોર્મને કારણે આઠમા સ્થાને સરકી ગયો છે. કુલદીપ યાદવ બોલરોના રેન્કિંગમાં નવ સ્થાનનો કૂદકો લગાવીને 12માં સ્થાને પહોંચ્યો છે. તેણે ફાઇનલમાં ચાર વિકેટ લીધી હતી. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ સતત સાત મેચ જીતીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ શ્રેણીમાં ભારતે પાકિસ્તાનને ત્રણ વખત હરાવ્યું હતું. ફાઇનલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ભારતે પાંચ વિકેટથી જીત મેળવી હતી.