Columns

એબીજી શિપયાર્ડને ગુજરાત સરકારે સસ્તામાં જમીનની લ્હાણી કરી હતી

આ દેશમાં જ્યારે પણ કોઈ મોટું આર્થિક કૌભાંડ થાય છે ત્યારે તેમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસની સરકારની પણ સંડોવણી હોય છે. વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ઉદ્યોગપતિઓએ બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લીધી ત્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. તેઓ દેશ છોડીને ભાગી ગયા ત્યારે દેશમાં એનડીએની સરકાર હતી. એક સરકારે તેમને મફતમાં અબજો રૂપિયાની લ્હાણી કરી તો બીજી સરકારે તેમને દેશ છોડીને ભાગી જવાની સવલત કરી આપી. વિજય માલ્યા અને નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા તેનાં સાત વર્ષ પછી પણ ભાજપ સરકાર તેમને પાછા લાવી શકી નથી. કદાચ તેમને ડર છે કે તેઓ પાછા આવશે તો રાજકીય નેતાઓનો ભાંડો ફોડી કાઢશે.

તાજેતરમાં જે એબીજી શિપયાર્ડનું કૌભાંડ બહાર આવ્યું તે માટે પણ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. ભાજપ કહે છે કે આ કંપનીને ૨૨,૮૪૨ કરોડ રૂપિયાની લોન યુપીએના રાજમાં આપવામાં આવી હતી, માટે તેમાં કોંગ્રેસનો દોષ છે. કોંગ્રેસ કહે છે કે આ કૌભાંડ બહાર આવ્યું તેનાં પાંચ વર્ષ પછી સી.બી.આઈ. દ્વારા ફરિયાદ દાખલ કરીને ભાજપ સરકાર દ્વારા કંપનીને લૂંટના રૂપિયા સગેવગે કરવાની સવલત કરી આપવામાં આવી હતી. હકીકતમાં બંને સાચા છે. કોંગ્રેસના રાજમાં લૂંટ કરવામાં આવી અને ભાજપ સરકારે તેને છાવરવામાં મદદ કરી હતી.

આ કૌભાંડ પહેલવહેલું ૨૦૧૩ માં ધ્યાન પર આવ્યું હોવાથી ભાજપના નેતાઓ તેના માટે કોંગ્રેસ સરકારને દોષ આપી રહ્યા છે, પણ તેઓ એ વાત ભૂલી જાય છે કે આ કૌભાંડ ગુજરાતમાં બન્યું ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને તેના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હતા. ૨૦૦૭ માં આ કંપનીને સુરતના ઇચ્છાપોરમાં ૧.૨૧ લાખ ચોરસ મીટર જમીન મીટરના ૭૦૦ રૂપિયાના ભાવે યુનિવર્સિટી બનાવવા માટે આપવામાં આવી હતી, જ્યારે બજારભાવ ૧,૪૦૦ રૂપિયાનો હતો.

એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કાયમ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના પડખે જોવા મળતા હતા. ૨૦૧૩ માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓનું ડેલિગેશન દક્ષિણ કોરિયા લઈ ગયા તેમાં ઋષિ અગ્રવાલ પણ સામેલ હતા. આ કંપનીના ગુજરાતમાં સુરતના મગદલ્લા ખાતે અને ભરૂચના દહેજ ખાતે બે શિપયાર્ડ હતાં. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન તેણે ત્રીજું શિપયાર્ડ બાંધવા માટે ગુજરાત સરકાર સાથે ૨,૫૦૦ કરોડ રૂપિયાના કરારો કર્યા હતા.

૧૯૮૫ ના માર્ચમાં આ કંપનીનું રજીસ્ટ્રેશન મગદલ્લા શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ગુજરાતમાં થયું હતું. તેની હેડ ઓફિસ અમદાવાદમાં રાખવામાં આવી હતી. ૧૯૯૫ ના મે માં તેનું નામ બદલીને એબીજી શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ કરવામાં આવ્યું હતું અને જૂનમાં તેને બદલીને એબીજી શિપયાર્ડ લિમિટેડ કરવામાં આવ્યું હતું. ૧૯૯૦ અને ૨૦૧૩ વચ્ચે આ કંપની દ્વારા ૧૮૫ સ્ટીમરો બાંધવામાં આવી હતી, જેમાંની ૮૦ ટકા વિદેશી કંપનીઓ માટે હતી. ૨૦૦૦ ની સાલમાં તેને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે બે ઇન્સેપ્ટર બોટ બાંધવાનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. ૨૦૧૧ માં તેને કેન્દ્ર સરકારે સબમરીન સહિત લડાયક જહાજો બાંધવાનું લાઇસન્સ પણ આપી દીધું હતું.

એબીજી શિપયાર્ડ કંપનીનો મુખ્ય જહાજવાડો મગદલ્લામાં તાપી નદીના કિનારે ૩૫ એકર જમીન પર પથરાયેલો છે. પાછળથી તેણે ભરૂચના દહેજ ખાતે બીજો જહાજવાડો બાંધ્યો, જેની જમીન ગુજરાત સરકાર દ્વારા લાંબા ગાળાના લીઝ પર આપવામાં આવી હતી. તેણે ૨૦૦૬ માં દુબઇની ક્રોસ ઓશન શિપ રિપેર લિમિટેડ નામની કંપની ખરીદી હતી, પણ તેને ૨૦૦૮ માં વેચી દીધી હતી. તેણે ૨૦૦૮ માં મગદલ્લા બંદરે આવેલી વિપુલ શિપયાર્ડ નામની કંપની ખરીદી હતી. તેણે ગોવાની વેસ્ટર્ન ઇન્ડિયા શિપયાર્ડ લિમિટેડ નામની કંપનીમાં ૬૦ ટકા હિસ્સો ખરીદી લીધો હતો. આ કંપની ખોટ કરવા લાગી ત્યારે એબીજી શિપયાર્ડે પોતાનો હિસ્સો વેચી માર્યો હતો.

૨૦૦૭ માં એબીજી શિપયાર્ડે મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર સાથે ૫૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. જી.આઇ.ડી.સી. દ્વારા તેને ૧.૨૧ લાખ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપવામાં આવી હતી. તેની સામે ‘કેગ’ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી. કંપનીએ યુનિવર્સિટી તો ન બનાવી, પણ પ્લોટનું ભાડું પણ ચૂકવ્યું નહોતું. આ કૌભાંડ બહાર આવ્યા પછી જી.આઇ.ડી.સી. એ હવે પ્લોટનો કબજો પોતાના હાથમાં લઈ લીધો છે. 

આ કંપની ૨૦૧૨-૧૩ ના નાણાંકીય વર્ષના અંત સુધી તો જોરદાર કામગીરી બજાવી રહી હતી. ૨૦૧૨ ના ફેબ્રુઆરીમાં તેની પાસે ૧૬,૬૦૦ કરોડના ઓર્ડરો હતા. ૨૦૧૨-૧૩ માં તેણે ૧૦૭ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જો કે તેણે ૨૦૧૩-૧૪ થી ખોટ ખાવાનું ચાલુ કર્યું હતું. તે વર્ષે તેણે ચોપડામાં ૧૯૯ કરોડ રૂપિયાનો તોટો બતાવ્યો હતો. ૨૦૧૬ ના માર્ચ મહિના સુધીમાં તેનો કુલ તોટો વધીને ૩,૭૦૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો. આ ખોટ માટે કંપનીએ કેન્સલ થયેલા નવા ઓર્ડરો, બેન્કો દ્વારા ઘટાડવામાં આવેલું ધિરાણ, ધિરાણનો વધી ગયેલો ખર્ચ, દહેજ શિપયાર્ડની ક્ષમતાનો ઓછો ઉપયોગ અને સરકાર દ્વારા બંધ કરાયેલી સબસિડીને જવાબદાર ગણાવ્યા હતા.

૨૦૧૩ માં આ કંપની બેન્કોના હપ્તા ન ચૂકવી શકી ત્યારે તેને આપવામાં આવેલી લોનને એન.પી.એ. જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે તેને પુનર્જીવિત કરવા કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરિંગ યોજનાનો લાભ આપ્યો હતો, જેમાં બેન્કો દ્વારા વ્યાજ ઘટાડવામાં આવે છે અને નવી લોન પણ હળવી શરતે આપવામાં આવે છે, જેથી તેઓ ધંધો કરીને જૂની લોન ચૂકવી આપે. બેન્કો દ્વારા આપવામાં આવેલી નવી લોન પણ કંપનીના સંચાલકો હજમ કરી ગયા હતા. ત્યાર બાદ ૨૦૧૬ માં ફરી વખત આ કંપનીની લોનને ડૂબી ગયેલી જાહેર કરવામાં આવી હતી. લોન ડૂબી ગઈ છે તેની ખાતરી થયા પછી પણ કેસ દાખલ કરવામાં ૬ વર્ષનો સમય કાઢી નાખવામાં આવ્યો હતો.

સી.બી.આઈ. દ્વારા અત્યંત વિલંબ સાથે ફરિયાદ દાખલ કરાયા પછી માહિતી આપવામાં આવી છે કે આ કંપની દ્વારા કુલ ૯૮ શાખા કંપનીઓ ખોલવામાં આવી હતી, જેમાંની મોટા ભાગની વિદેશની ધરતી પર હતી. તેમાંની પણ કેટલીક કંપનીઓ ટેક્સ હેવન તરીકે ઓળખાતા દેશોમાં હતી. તેના દ્વારા મોટા ભાગના ઓર્ડરો પોતાની શાખા કંપનીઓને જ આપવામાં આવતા હતા. આ રીતે બેન્કો પાસેથી લીધેલી મોટા ભાગની રકમ વિદેશ મોકલી દેવામાં આવી હતી. એબીજી શિપયાર્ડ કંપનીના માથે ૨૨,૮૪૨ કરોડ રૂપિયાનું દેવું છે, પણ તેની જે સંપત્તિ છે, તેનું જો લિલામ કરવામાં આવે તો માંડ ૧૦ ટકા જેટલી રકમ રિકવર થાય તેમ છે. આ કંપની પાસે જે સંપત્તિ છે તેમાં પાંચ જહાજો, મગદલ્લામાં ૪.૧૪ લાખ ચોરસ મીટર જમીન, ભરૂચમાં ૯૨,૦૦૦ ચોરસ મીટર રહેઠાણની જમીન અને કોલકાતાના ડાયમન્ડ હાર્બરમાં ૨૭ એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. ૨૦૨૦ ના ડિસેમ્બરમાં આ મિલકતોનું લિલામ યોજવામાં આવ્યું ત્યારે તેના કોઈ ખરીદદારો મળ્યા નહોતા. આ કંપનીના સંચાલકોની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top