સુરત : સલાબતપુરામાં (Salabatpura) એનજીઓ (NGO) ચલાવતી એક યુવતીની સાથે કાપડ દલાલે મિત્રતા કર્યા બાદ તેણીના ફોટા લઇને વીડિયો (video) બનાવ્યો હતો. કાપડ દલાલે મહિલાને બ્લેકમેઇલ (Blackmail) કરવાનું કહીને બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. જે અંગે સલાબતપુરા પોલીસે કાપડ દલાલની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય યુવતી એનજીઓ ચલાવે છે. આશરે સાત-આઠ મહિના પહેલા ભાઠેના રઝાનગર પાસે વાડીવાલા બાવાની દરગાહ પાસે રહેતા સમીર ઉર્ફે ઔવા યુસુફ શેખ એક સમસ્યા લઇને આવ્યો હતો અને બંને વચ્ચે મુલાકાત થઇ હતી. ત્યારબાદ સમીર વારંવાર યુવતી પાસે આવતો હતો અને લાંબા સમય સુધી બેસી રહેતો હતો. સમીરે વાત-ચીતમાં જ યુવતી સાથે મિત્રતા કેળવી લીધી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો.
આ દરમિયાન સમીરે લગ્નની લાલચ આપી હતી અને યુવતીની બહેનપણીના ઘરે મળવા માટે જતા હતા. આ દરમિયાન સમીરે યુવતીના અંગત ફોટા પાડી લીધા હતા અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાનું કહીને બળાત્કાર ગુજાર્યો હતો. આ વીડિયોના આધારે સમીરે યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે યુવતીએ પોતાના પરિવારને વાત કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ સાથે જ પોલીસે સમીરની અટકાયત કરીને કોવિડનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. હાલ તો પોલીસે સમીરને નજરકેદ રાખીને તપાસ શરૂ કરી છે.
કામરેજના માંકણાથી ગુમ થયેલી મહિલા આઠ માસ બાદ આહવાથી મળી આવી
પલસાણા: કામરેજના માંકણા ગામે રહેતી પરિણીતા ગુમ થઈ જતાં પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે એસઓજી પોલીસે તપાસ હાથ ધરતાં ગુમ થનાર પરિણીતા આહવાના ગલકુંડથી મળી આવી હતી. પરિણીતા ઈંટના ભઠ્ઠા પર મજૂરીકામ કરતી હતી પોલીસે મહિલાનો કબજો કામરેજ પોલીસને સોંપ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કામરેજના માંકણા ગામે રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના તળાજાના બેલડાના વતની કિશોર બાબુ હરિયાણીની 28 વર્ષીય પત્ની અસ્મિતાબેન ગત તા.27-05-2021ના રોજ કોઈને કાઇપણ કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાં હતાં. જે અંગે કિશોરભાઇએ કામરેજ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આઠ માસ બાદ સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમને બાતમી મળતાં તેઓ ડાંગના આહવાના ગલકુંડ ગામે પહોંચ્યા હતા અને ત્યાં આવેલા રાજુભાઇ પ્રજાપતિના ઈંટના ભથ્થા પર મજૂરીકામ કરી રહેલી મહિલાની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અસ્મિતા કિશોર હરિયાણી જણાવ્યું હતું. જેથી પોલીસે આ ગુમ થનારી મહિલાને શોધી કાઢી હતી અને વધુ પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, પતિ સાથે અણબનાવ રહેતો હોવાથી તે ઘર છોડી ભાગી ગઈ હતી અને ઈંટના ભઠ્ઠા પર મજૂરીકામ કરતી હતી. એસઓજી પોલીસે મહિલાનો કબજો કામરેજ પોલીસને સોંપ્યો હતો.