સુરત: શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસની સાથે સાથે કૂતરાં કરડવાના વધી રહેલા કેસોથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે, બીજી તરફ આવી ઘટના પ્રત્યે તંત્રનું ઉદાસીન વલણ ખટકે તેવું છે. ખાસ કરીને કૂતરાઓ દ્વારા બાળકોને કરડી ખાવાના બનાવ સતત વધી રહ્યાં છે છતા તંત્રના પેટનું પાણી હલતું નથી. ગઈ તા. 21 ફેબ્રુઆરીને મંગળવારની સવારે ખજોદ પાસે 2 વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકીના માથાની આશરે બે ઇંચ ચામડી કૂતરાએ કરડી ખાધી હતી. આખા શરીરે ઇજાના 40 નિશાન થતા ગંભીર હાલતમાં બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બે દિવસ સુધી રિબાયા બાદ આખરે બુધવારે મધરાત્રે 2 કલાકે બાળકીએ દમ તોડ્યો હતો.
- બે દિવસ પહેલાં ખજોદમાં ડાયમંડ બુર્સ પાસે બે વર્ષની બાળકીને કૂતરું કરડ્યું હતું
- બે દિવસ સુધી રિબાયા બાદ બાળકીનું બુધવારે મધરાત્રે મોત થયું
- સુરત પાલિકા તંત્રની ઘોર બેદરકારીના પરિણામે માતા-પિતાએ પોતાની બાળકી ગુમાવી
બાળકીના મૃતદેહને નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બાળકીના મોતથી માતા આઘાતમાં સરી પડી હતી અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેની લાશની રાહ જોતી બેઠી હતી. માતા-પિતા બંને હોંશકોંશ ગુમાવી બેઠાં હતાં. તેઓ કશું જ બોલી રહ્યાં નહોતા. બીજી તરફ કૂતરું કરડવાના લીધે બાળકીનું મોત થયું હોય તંત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. રખડતાં કૂતરાઓ પર અંકુશ મેળવવા માટે પાલિકા કોઈ જ નક્કર પગલાં લઈ નહીં રહી હોય લોક રોષ ગમે ત્યારે ફાટી નીકળે તેવી શક્યતા છે.
બાળકી પોતાના ભાઈ સાથે રમતી હતી ત્યારે કૂતરાએ હુમલો કર્યો હતો
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ પશ્ચિમ બંગાળનો રવિ કહાર (હાલ રહે. ખજોદ ડાયમન્ડ બુર્સ પાસે, લેબર કોલોની)માં પત્ની, ચાર વર્ષનો દીકરો તથા બે વર્ષની દીકરી મર્શીલા હેમરોન સાથે રહે છે. રવિ કહાર અને તેની પત્ની બંને મજુરી કામ કરે છે. મંગળવારે સવારે મર્શીલા હેમરોન અને તેનો ભાઈ લેબર કોલોનીથી થોડા અંતરે રમી રહ્યા હતા. તે સમયે એક રખડતા કૂતરાએ મર્શીલા હેમરોન પર હુમલો કર્યો હતો. કૂતરો બાળકીના માથામાંથી આશરે અઢી ઇંચ જેટલી ચામડી ખાઈ ગયો હતો. ઉપરાંત આખા શરીરે ઈજા પહોંચાડી હતી. લગભગ બે મિનિટ સુધી ખૂંખાર કૂતરાએ બાળકી હુમલો ચાલુ રાખ્યો હતો ત્યાર બાદ મજુરોની નજર પડતા બાળકીને બચાવી હતી. બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની હાલત જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. કૂતરો પહેલા મજુરોને પણ કરડવા દોડ્યો હતો પરંતુ તેઓએ કૂતરાને પથ્થરો મારતા નાસી ગયો હતો.
શહેરમાં રોજ કૂતરાના કરડવાના 50 બનાવ બને છે
શહેરમાં તા. 1 થી 15મી ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં કૂતરા કરડવાના 477 કેસ નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. તેમાં 22 કેસ ગંભીર હતા. આજ રોજ 2 વર્ષની બાળકી પર કૂતરાએ હુમલો કર્યો તેમાં બાળકી ખૂબ જ ગંભીર રીતે ઈજા પામી છે. સિવિલમાં ડોગ બાઈટના રોજના 32 કેસ નોંધાયા છે. બીજી તરફ આટલા જ સમય ગાળામાં સ્મીમેર હોસ્પિટલમાં કુતરા કરડવાના 265 કેસ નોંધાયા છે. એટલે રોજના 17 થી 18 કેસ નોંધાય છે.
જીવદયા પ્રેમીઓ કૂતરા પકડવા નહીં દેતા ખસીકરણમાં વિલંબ થતો હોવાનું પાલિકાનું બહાનું
શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં રખડતા કૂતરા દ્વારા ત્રણ બાળકો પર ઘાતક હુમલો કરી લોહીલુહાણ કરી નાંખવાના બનાવો બન્યા છે. કૂતરાના ન્યુસન્સ માટે મનપાએ એક બેઠક કરી એક્શન પ્લાન બનાવ્યો છે તેમાં વધુમાં વધુ કૂતરાઓનું ખસીકરણ કરવા માટે આયોજન કરાયું છે. પરંતુ ઘણા વિસ્તારોમાં જીવદયાપ્રેમીઓ મનપાની ટીમ સાથે જીભાજોડી કરી કૂતરા પકડવા દેતા નથી, જેથી ખસીકરણની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
રખડતાં કૂતરાં વાહનચાલકો માટે પણ જોખમી, મોડી રાત્રે હુમલા કરે છે
રખડતા કૂતરાઓના ત્રાસથી વાહનચાલકો માટે પણ જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે ટુ વ્હીલર ચાલકો માટે કૂતરાઓના ટોળાં આફત સમાન છે. દરેક રોડ પર , દરેક ગલીના નાકે કૂતરાઓના ટોળાં રાત્રે બેઠાં હોય છે અને આવતા-જતા વાહનોની પાછળ દોડે છે. કૂતરાઓ આમ અચાનક આક્રમક કેમ થયા તે અંગે મેયરે પણ એક ખાસ મિટીંગનું આયોજન કર્યું હતું. કૂતરાઓનો ત્રાસ દુર કરવા માટે મનપાની ટીમો કામે લાગી છે પરંતુ જીવદયાપ્રેમીઓ આડે આવી રહ્યાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે. મનપાની ટીમ જે વિસ્તારમાં ફરિયાદ મળી હોય તે વિસ્તારમાં કૂતરા પકડવા જાય ત્યારે જીવદયા પ્રેમીઓએ અમારા કૂતરા છે તે કોઈને કરડતા નથી અને પકડવાના નથી તેવું કહીને મનપાના સ્ટાફ સાથે દાદાગીરી કરી રહ્યાં છે. મનપાની ટીમ એક તરફ ન્યુસન્સને નાથવાનો પ્રયાસ કરી કરી છે તો બીજી બાજુ આવા લોકો મનપાની કામગીરીમાં અડચણ લાવી રહ્યાં છે.