સુરત(Surat): શહેરના કતારગામ અને ગોતાલાવાડી ને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર વહેલી સવારે એક આઇસર ટેમ્પો ભડ ભડ સળગી (FireInMilkTempo) ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ તાત્કાલિક દોડી ચાલકને ટેમ્પોને બહાર કાઢી બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી જઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા જ આગને કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારે 7:35 ની હતી. બ્રિજ પર એક ટેમ્પો સળગી ગયો હોવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશનના જવાનોને દોડવવામાં આવ્યા હતા. આગ ને કંટ્રોલ કરતા માત્ર 3 મિનિટ જ થઈ હતી. જોકે આગળનો બોનેટનો ભાગ અને વાયરિંગ બળી ગયું હતું. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય રહ્યું છે.
ફાયર ઓફિસર દીનું પટેલે જણાવ્યું હતું કે 5 મિનિટ મોડું થઈ ગયું હોત તો લગભગ ડીઝલ ટાંકો આગની ઝપેટમાં આવી ગયો હોત. ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ આઇસર ટેમ્પાનો બોનેટનો ભાગ સળગી રહ્યો હતો. તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલ કરવામાં સફળ થયા હતાં.
વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા બોનેટ અને ટેમ્પાનું કેબિન બળી ગયું હતું. 5 મિનિટ મોડું થઈ ગયું હોત તો લીકેજ ડીઝલ ટાંકા સુધી આગ ફેલાઈ જવાનો ડર હતો. જોકે કોઈ જાનહાનિ નોંધાય નથી. ટેમ્પો દૂધ સપ્લાય માટે નો હતો અને વીમો પણ લગભગ પૂરો થઈ ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.