ગેમ રમવા મે બેંકના બધા રૂપિયા વાપરી નાંખ્યા છે હું ઘરથી જતો રહું છું

સુરત: પાંડેસરા (Pandesra) ખાતે 13 વર્ષનો કિશોર ઘરમાંથી તથા માતાના બેંક ખાતામાંથી ગેમ (game) રમવા માટે પૈસા ચોરીને (theft) વાપરી નાખતો હતો. ઘરમાં જાણ થતાં કિશોર તેના નાના ભાઈને ‘બેંકમાંથી પૈસા ગેમ માટે મે વાપરેલા છે અને મારા કારણે ઘરમાં બધા હેરાન થાય છે જેથી હું ઘરેથી જતો રહું છું’ કહીને નીકળી ગયો હતો. પાંડેસરા પોલીસે કિશોરના અપહરણની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે તેરેનામ રોડ પર મણીનગરમાં રહેતીા 35 વર્ષીય પ્રમોદકુમાર નરેન્દ્રબહાદૂર સીંગ પાંડેસરા જીઆઈડીસી ખાતે ડાઈંગ મીલમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં બે બાળકો છે. મોટો પુત્ર વૈભવ (ઉ.વ.13) અને નાનો નીર્ભય (ઉ.વ.8) છે. વીસેક દિવસ પહેલા તેમના ઘરેથી બચતના 5 હજાર રૂપિયા ગુમ હતા. બંને બાળકોને સખ્તાઈથી પુછતા મોટા પુત્ર વૈભવે કબૂલાત કરી હતી કે ઓનલાઈન અભ્યાસ માટે તેની માતાએ ફોન આપ્યો હતો તેમાં ફ્રી ફાયર નામની ગેમ રમવા માટે આ પૈસા ભર્યા હતા. આ પૈસા તેને ગુરૂકૃપા કટલરીની દુકાનમાં ભર્યા હોવાથી પ્રમોદકુમારે ત્યાં જઈને રાહુલ નામના દુકાનદારને પુછ્યું હતું. દુકાનદારે આ છોકરો મોબાઈલમાં ગેમ રમવા માટે અહીં આવે છે અને ગેમના પૈસા ભરે છે તેમ કહ્યું હતું. જેથી પ્રમોદકુમારે હવેથી જો તેમનો છોકરો આવે તો ગેમ રમવા ના પાડી દેવા દુકાનદારને કહ્યું હતું. ગત 1 જાન્યુઆરીએ પ્રમોદકુમારની પત્નીના પગારના 5853 રૂપિયા બેંકમાં જમા થયા હતા. આ પહેલા ખાતામાં આશરે 6 હજાર પડ્યા હતા. પરંતુ બેલેન્સ માત્ર 5933 રૂપિયા બતાવતા તેમને શંકા ગઈ હતી. બેંકમાં તપાસ કરતા ફોન પે મારફતે અલગ અલગ રકમ કપાઈ હોવાની જાણ થઈ હતી.

બેંકમાંથી મેં પૈસા ગેમ રમવા વાપરેલા છે, હું ઘરેથી જતો રહું છું’ એવું કિશોરે તેના નાના ભાઈને કહ્યું
અંજલીબેન ઘરે આવ્યા ત્યારે ઘરે મોટો પુત્ર વૈભવ હાજર નહોતો. નાના પુત્ર નીર્ભયે માતાને જણાવ્યું કે, વૈભવ આ બેંકમાંથી પૈસા ગેમ માટે મે વાપરેલા છે અને મારા કારણે ઘરમાં બધા હેરાન થાય છે જેથી હું ઘરેથી જતો રહું છું. તેમ કહીને વૈભવ જતો રહ્યો હતો. નાનાભાઈ નીર્ભયે તેને રોકવા પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top