Business

નદીને તળિયે પેટી અને પેટીની સાથે બંધાયેલી ને તરતી એક આકૃતિ…

પાણી નીચેની શોધ બહુ લાંબી ચલાવવી ન પડી. દસેક મિનિટમાં જ અજયે પોકાર કર્યો, ‘મળી ગઇ, જયરાજ! મળી ગઇ. જે પેટી આપણે શોધતા હતા તે… પ…ણ…! ઓ બાપ રે…!’ અજય આથી આગળ બોલી ન શકયો. પેટી તો નદીને તળિયે પડી હતી પરંતુ જેમ કોઇ લંગરથી બંધાયેલી હોડી તરતી હોય તેમ, એ પેટી સાથે દોરડે બંધાયેલી એક સફેદ આકૃતિ પણ તળિયાથી બેએક મીટર ઊંચે તરતી હતી! જેમાં ચીનાઇ માટીના કળાના નમૂના ભર્યા હતા એવી એ ભારે પેટીની સાથે બંધાઇ હોવાથી એ આકૃતિ પાણીની ઉપરની સપાટી સુધી પહોંચી શકે એમ નહોતી. બહુ થોડા વખતમાં કાચબા, માછલીઓ વગેરે જળના જીવ આવી પહોંચશે અને… અજય આથી આગળ વિચારી પણ ન શકયો. એણે સાદ કર્યો, ‘ચાલ, જયરાજ! પાણીની બહાર નીકળી જઇએ.’

*  *  *  *  *

એ  પછીના કલાકમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક નાનકડી બેઠક મળી. આ બેઠકમાં ઇન્સ્પેકટર દિનકર દેસાઇ, અજય વર્મા, રાધિકા ચેટરજી ઉપરાંત મરહૂમ અતુલ મોદીના મિત્ર અને ભાગીદાર રાહુલ અમીનનો સમાવેશ થતો હતો. રાહુલનો અનુરોધ એવો હતો કે તમે પોલીસવાળાઓએ કશુંક નકકર શોધી કાઢયું હોય તો વાત કરો, એ વગર અમારા જેવા બિઝનેસમેનનો વખત બરબાદ ન કરો. તમે પોલીસવાળાઓ કેસમાં તો બહુ આગળ વધતા નથી, નવી કડીઓ શોધતા નથી પણ ફરિયાદીઓનો જીવ ખાઇ જાવ છો!

દિનકર એને શાંતિ જાળવવા વિનંતી કરતો હતો. પણ અજય જરા જુદો સૂર કાઢતો હતો. એની એક જ ધૂન હતી: ‘મને તો લાગે છે કે અતુલભાઇને કોઇકની સાથે દુશ્મનાવટ હતી અને એણે જ….’ ‘પણ આમાં કોઇક – ફોઇકને લાવવાની જ શી જરૂર છે, અજયભાઇ?’ રાહુલે પ્રતિસાદ કર્યો. ‘ગુનેગાર પેલો સમરસિંહ છે. એ જ અતુલની હત્યા કરીને અને કિંમતી કલાકૃતિઓની પેટી લઇને ફરાર થઇ ગયો છે. કોણ જાણે બીજું પણ શું શું લઇ ગયો હશે?’ ‘તમે સૌ શાંતિથી સાંભળો તો મારું અનુમાન જણાવું’, અજયે કહ્યું. ‘ઓકે. બોલ,’ દિનકરે અનુમતિ આપી.

‘મેં જે કેટલીક શોધખોળ કરી છે એને આધારે આખી ઘટના સિલસિલાવાર જણાવી શકાય એમ છે. મેં વારંવાર કહ્યું એમ, મરહૂમ અતુલભાઇને જરૂર કોઇકની સાથે વેર હતું. જેને વેર હતું તેને અતુલભાઇને ઝટપટ મારી નાખવાની તલપ હતી. શાથી આ વેર બંધાયું હતું એ પણ આપણે જરૂર શોધી કાઢીશું.’ ‘ઇન્સ્પેકટર સાહેબ!’ રાહુલ અમીને અણગમો વ્યકત કર્યો. ‘તમારા આ પ્રાઇવેટ ડિટેકટીવ મિત્ર વધારે પડતી રહસ્યકથાઓ વાંચતા લાગે છે એટલે જ કશા આધાર વગરના તુકકા લડાવ્યે રાખે છે.’ ‘હું અજયને તમારા કરતાં વધારે ઓળખું છું, મિસ્ટર અમીન!’ દિનકરે દૃઢતાથી કહ્યું. ‘એ શું કહે છે એ તો સાંભળો. એ વાતમાં જ કયાંક તમારા દોસ્તનું કમોતનું કારણ જણાય.’ રાહુલે શ્વાસ ફૂંફાડીને મૌન ધારણ કર્યું.

અજયે વાત ચલાવી, ‘હું આખી ઘટના ક્રમાનુસાર જણાવું છું, સાંભળો અને યાદ રાખજો કે આમાંની ઘણીખરી વિગતોની મેં જાતે ચકાસણી કરી છે. ઘટનાની રાતની અધવચ્ચે ખૂનીએ લાગ સાધ્યો છે પરંતુ એ માટેની તૈયારી એણે અગાઉથી જ કરી રાખી હતી. જેમ કે પેલું જુનવાણી ખંજર એના વાયરોના માળખામાંથી એણે લાગ મળ્યે અગાઉથી જ છૂટું કરી રાખ્યું હતું. અમસ્તું તો એ વાયરોનું માળખું એવું મજબૂત રીતે ગૂંથાયેલું હતું કે તાત્કાલિક છૂટે નહિ. આ મુદ્દો નોંધવા જેવો છે, દિનકર! કારણ કે એ પૂર્વનિર્ધારિત ખૂન સૂચવે છે.’

‘રાઇટ! પ્રીમેડિટેટેડ મર્ડર!’ દિનકરે અનુવાદ કરી આપ્યો. પરંતુ શંકા પણ ઉઠાવી, ‘તકલીફ એ છે અજય, કે એ ખંજરના હાથા પર કોઇનાં આંગળાનાં નિશાન નહોતાં!’ ‘વાસ્તવમાં એ જ એક વિશેષ સાંયોગિક પરંતુ સજજડ પુરાવો બની રહે છે, દિનકર, કે ખૂન પૂર્વ નિર્ધારિત અને ઠંડા કલેજાનું હતું. ખૂનીએ એવી પણ ચોકસાઇ રાખેલી કે ખંજરના હાથા પર પોતાનાં આંગળાંનાં નિશાન ન રહે! ભૂંસી નાખવામાં આવે!’‘વાત તો સાચી’, દિનકરે હડપચી પંપાળતાં કહ્યું. ‘લાગે છે કે ખૂની ઠીક ઠીક રહસ્યકથાઓ વાંચતો હશે, જેથી આંગળાંની છાપો ભૂંસવાનો એવો બધો ખ્યાલ એને આવે છે.’

‘અચ્છા, દિનકર, ખૂનીએ તક સાધીને અતુલભાઇનું ખૂન તો કરી નાખ્યું, પરંતુ એવી પણ જોગવાઇ કરી રાખી હતી કે ખૂનનો આરોપ કોઇક બીજા પર ઢોળાય એટલે એણે ચીનાઇ માટીની કલાકૃતિઓના એકબે નમૂના ગજવામાં ભરી લીધા. એ પછી એણે સમરસિંહને બોલાવ્યો. કશાક કામને બહાને સમરસિંહને બંગલાના કમ્પાઉન્ડમાં લઇ જઇને, એના પર હુમલો કર્યો. જેમ અતુલભાઇ પર અણધાર્યો હુમલો થયો હતો તેમ સમર પર પણ થયો. એ જુવાન હોવા છતાં ખૂનીએ તેને મારી જ નાખ્યો. પછી એના ચોકીદાર તરીકેનાં કપડાં ઉતારી લીધાં. પોતે જાણે સમર હોય એવી રીતે હાલતાંચાલતાં,  ટોર્ચ ફરકાવતાં અને દાદરની ધમાધમી કરતાં ખૂની બંગલાને પહેલે માળે ચડયો. બંગલામાં રહેતાં મણિબા, અવની વગેરે અન્ય સૌને એમ જ લાગ્યું કે સમર એના રૂમમાં સૂવા જઇ રહ્યો છે. પરંતુ એ રૂમમાં પેઠા પછી ખૂનીએ ખૂબ ઝડપથી અને ખૂબ ચૂપકીદીપૂર્વક કામ કરવા માંડયું. એણે સમરના મૃતદેહ પરથી ઉતારેલાં કપડાં ઓરડાના એક ખૂણામાં ફેંકયાં સમર કયાંક દૂર પ્રવાસે જવા માગતો હોય ત્યારે પહેરે એવાં કપડાં એના કબાટમાંથી કાઢીને પોતાની બગલમાં દબાવ્યાં. પોતે નીચેને માળેથી ચીનાઇ કળાકૃતિઓના જે નમૂના ગજવામાં ભર્યા હતા તે ભાંગી નાખીને ટુકડા સમરના પલંગ હેઠળ નાખ્યા. આમ, એણે સમર નાસી છૂટયો છે એમ દર્શાવતો બીજો પુરાવો ઊભો કર્યો. ભાગવાની ઉતાવળમાં જાણે સમરે કલાકૃતિઓ પાડી નાખી હોય અને-’‘તમે ડિટેકટીવ વાર્તાઓ લખવાનું શરૂ કરો, મિસ્ટર વર્મા!’ રાહુલે વ્યંગ કર્યો. ‘હમણાં હમણાં આપણે ત્યાં ડિટેકટીવ વાર્તાઓ લખનારની અછત છે.’ ‘મિસ્ટર અમીન!’ દિનકરે અવાજ જરાક ભીંસ્યો ‘તમે ઘડીભર ચૂપ રહેશો?’

‘ઓકે, આગળ ચાલીએ’, અજયે અકળાયા વગર વાત આગળ વધારી. ‘ખૂની હવે ચૂપચાપ નીચે ઊતર્યો એણે ચીનાઇ કલાકૃતિઓની પેટીમાં સમરનાં જવાનાં પેલાં કપડાં મૂકયાં. પેટી બંધ કરીને ઉપાડી. બંગલાનું મુખ્ય બારણું તદ્દન નીરવપણે ખોલ્યું. એટલી જ નીરવતાથી કમ્પાઉન્ડમાં જઇને સમરની લાશ પોતાને ખભે ઉઠાવી. હાથમાં પેલી પેટી લીધી. આ બધું ઉઠાવીને એ કમ્પાઉન્ડને એ દરવાજે પહોંચ્યો જયાંથી નદીમાં ઊતરી શકાય છે. એણે અતુલની હોડીમાંથી એક દોરડું શોધી કાઢયું. દોરડાનો એક છેડો એણે પેટીને બાંધ્યો અને બીજો છેડો સમરની નિર્જીવ લાશની કમરે બાંધ્યો. પછી હોડી છોડીને એણે થોડેક સુધી હંકારી. જો કે એ દૂર જવા માગતો નહોતો. નદી કાંઠે ફરનાર કે રહેનાર કોઇ માનવી હોડીની હિલચાલ જોઇ ન જાય એવી જોગવાઇ પણ એને રાખવી હતી; કારણ કે જો કોઇ જુએ તો પૂછપરછ થાય, નદીમાં તપાસ થાય અને આખરે પગેરું એના સુધી પહોંચે. જો કે એને એવી કલ્પના પણ નહિ હોય કે એને બુદ્ધિ ચલાવતાં આવડે છે એમ બીજાઓને પણ કદાચ આવડતું હોય. સામાન્ય રીતે અપરાધી બુદ્ધિવાળાઓ એમ જ માની બેસતા હોય છે કે પોતાના જેવી બુદ્ધિ કોઇની નથી!’‘મૂળ વાત આગળ ચલાવને, અજય!’ દિનકરે હવે અધીરાઇ દાખવી.

‘મૂળ વાત બહુ લાંબી નથી. દિનકર. ખૂનીએ પેલી પેટી અને સમરસિંહની લાશ, બન્નેને પાણીમાં ઉતાર્યા. વજનદાર પેટી સાથે બંધાયેલી લાશ પાણીની ઉપર તરી આવવાનો સંભવ જ નહોતો ખૂનીએ એવી હોંશિયારીથી આખી ઘટના ગોઠવી હતી કે સૌને સમરસિંહ પર જ શંકા જાય.’ ‘પણ તારી આ બધી વાતનો પુરાવો શો છે?’ દિનકરે પૂછયું. ‘જયાં પેલી પેટી સાથે બંધાયેલી સમરની લાશ નદીની અંદર તરે છે, એ મેં નજરે જોયું છે. હવે પોલીસખાતું અધિકૃત રીતે ડૂબકીમારોને મોકલીને એ બહાર કઢાવે.’ ‘પણ આ કાળાં કામ કરનાર કોણ? બબ્બે ખૂન!’

‘તને હજુ ય ન સમજાયું, દિનકર? કાળાં કામ કરનાર આ રાહુલ અમીન છે! ભાગીદારીમાં એ તફડંચી કરતો હશે એ જણાઇ આવતાં એણે અતુલને જ મારી નાખવાનું કાવતરું કર્યું. ખૂનની રાતે એ જ આવ્યો હતો. એને જ બંગલામાં શું કયાં છે એની ખબર છે. કેમ રાહુલ?’ હવે રાહુલનો બધો જુસ્સો ઓગળી ગયો. એ કશું જ બોલ્યા વગર નતમસ્તક બેસી રહ્યો. એટલામાં દિનકરને નવો પ્રશ્ન સૂઝ્યો,  ‘અજય! ખૂની અને ભાગેડુ સમર નથી એવો ખ્યાલ તને કયારે અને કયે આધારે આવ્યો?’ (વાચકમિત્રો! આ સવાલનો જવાબ વાર્તામાં વણાઇ ગયો છે. શોધી કાઢો અથવા અજયના જવાબની રાહ જુઓ.)

Most Popular

To Top