Dakshin Gujarat

નેત્રંગ-મોવી રોડ પર ડમ્પરે કચડી નાંખતા પાંચ વર્ષના માસુમ બાળકનું મોત

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં ખૂબ જ કરૂણ ઘટના બની છે. અહીં એક 5 વર્ષીય બાળકનું અકસ્માતમાં (Accident) મોત (Death) થયું છે. જિલ્લાના નેત્રંગ મોવી રોડ (Netrang Movi Road) પર ફૂલસ્પીડમાં દોડતા એક ડમ્પરે બાળકને અડફેટમાં લઈ તેને કચડી નાંખતા બાળકનું ભેજું ખોપડીમાંથી બહાર આવી ગયું હતું અને તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

  • અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી છૂટ્યો
  • નેત્રંગ પોલીસમાં ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ પર રહેતા રાકેશ બોખાભાઈ વસાવાને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે. રવિવારે સાંજે રાકેશ વસાવા ખેતીકામ કરીને બે દિકરાઓ સાથે ઘર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે સાંજે 4.15 વાગ્યાના અરસામાં તેમનો 5 વર્ષીય દીકરો રોનક મોવી બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો.

રોનક રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક ફૂલસ્પીડમાં મોવી તરફથી એક ડમ્પર (DD-02 G-9842) ધસમસતું આવ્યું હતું. આ ડમ્પરે રોડ ક્રોસ કરતા રોનકને ટક્કર મારી હતી. ડમ્પરનું ટાયર રોનકના માથા પરથી ફળી વળ્યું હતું, જેના લીધે માસૂમ રોનકની ખોપડી ફાટી ગઈ હતી અને તેનું ભેજું રસ્તા પર વેરવિખેર થઈ ગયું હતું. સ્થળ પર જ રોનકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

ભરૂચ જિલ્લાના પૂર્વભાગમાં નેત્રંગથી મોવી રોડ પર મોવી બસ સ્ટેન્ડ એક ડમ્પર ચાલકે પૂરપાટ હંકારીને રોડ ક્રોસ કરતો ૫ વર્ષીય માસુમ બાળકને જોરદાર રીતે અડફેટમાં લેતા પ્રાણપંખેરું ઉડી ગયું હતું.સમગ્ર ઘટના બનતા ડમ્પર ચાલક ગાડી લઈને ફરાર થઇ ગયો હતો.

સમગ્ર ઘટના બનતા ડમ્પર ચાલક પોતાની ગાડી લઈને રાજપીપળા તરફ ભાગી છૂટ્યો હતો. આખી ઘટના બનતા જ લોકટોળા ભેગા થઈને તાબડતોબ નેત્રંગ પોલીસને જાણ કરી હતી.પોલીસ ઘટના સ્થળે દોડી આવીને મૃતક બાળકની લાશ લઈને પોસ્ટમોર્ટમ કરાવીને ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

નજરની સામે જ માસૂમ બાળકનું મોત થતાં પિતાના હોંશકોંશ ઉડી ગયા હતા. વ્હાલસોયાનું મૃત્યુ થયાની જાણ થતા માતા પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રસ્તાની વચ્ચે દીકરાની લાશને વળગીને માતાએ કલ્પાંત કર્યો હતો, જેના લીધે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

Most Popular

To Top