ભરૂચ, નેત્રંગ: નેત્રંગ ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજય કોલેજમાં 1લી ફ્રેબ્રુઆરીએ યોજાયેલા સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી કારકુન તરીકે ફરજ બજાવતા એક મહિલા સહાયકે તેમને મદદ કરી હતી. તે સમય દરમિયાન કોલેજના લાઈબ્રેરીયન ડો.અજીત પ્રજાપતિએ મહિલાના ફોટા પાડવા માંડતાં મહિલા સહાયક આ હરકત જોઈને નારાજ થયા હતા.
મહિલા કારકુને આ અંગે કોલેજના આચાર્યને જે-તે સમયે ફરિયાદ કરતાં આચાર્યએ ‘આ કોલેજનો અંદરનો મામલો છે, આ બાબતે ન્યાય માટે પ્રયત્ન કરીશું’ તેમ કહેતા મહિલાએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે આ બનાવને ૪૨ દિવસ થવા આવ્યા છતાં પણ કોલેજ તંત્ર તરફથી કોઈ ન્યાય ન મળતાં નેત્રંગ કોલેજનો માહોલ ગરમાયો છે. મહિલા સહાયકને ન્યાય મળે તે માટે કોલેજના વિદ્યાર્થીઓ આગળ આવતા કેમ્પસમાં ગરમાગરમીનો માહોલ ઊભો થતાં ઝઘડિયાના ધારાસભ્યને નેત્રંગ કોલેજ દોડી આવવું પડ્યું હતું.
બબાલ થતાં કોલેજના આચાર્યએ લાઈબ્રેરિયનનો મોબાઈલ કોલેજ લોકરમાં મૂકી દીધો
મહિલા સહાયકને થયેલા અન્યાય બાબતે કોલેજના વિદ્યાર્થીઓની ગેટ ઉપર જ પ્રોફેસર સાથે બબાલ થતા હોબાળો થયો હતો. જેમાં વિરોધ વધતો જોઈ કોલેજના આચાર્યએ ફોટો પાડનાર લાઈબ્રેરિયનનો મોબાઇલ કબ્જે લઇ કોલેજના લોકરમાં મૂકી દીધો હતો. કોલેજના સંચાલકોએ આ મામલે આંખ આડા કાન કરતાં હોવાનો આક્ષેપો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. કોલેજના મહિલા કારકુને વિદ્યાર્થીઓને સાથે રહી નેત્રંગ પોલીસમાં જઈ આ અંગે ફરીયાદ આપી ન્યાય મળે તેવી માંગ કરી છે.
પોલીસને અરજી મળતાં તપાસ કરાશે: ઇનચાર્જ PSI ગામીત
નેત્રંગના ઇન્ચાર્જ પીએસઆઈ ડી.વી.ગામીત સાથે ટેલીફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે બુધવારે નેત્રંગ કોલેજના વિદ્યાર્થીઓ આ મુદ્દે અરજી આપી ગયા છે. જેની તપાસ કરીને નેત્રંગના જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહી થશે.
અગાઉ લાઈબ્રેરીયનને પૂછતાં તેણે ફોટો ન પાડવાનું રટણ કર્યું હતું, બાદમાં MLA આવતાં ફોટો પાડવાનું કબૂલ્યું: આચાર્ય જી.આર.પરમાર
કોલેજના આચાર્ય જી.આર.પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મુદ્દો બુધવારે ગત-ફેબ્રુઆરીમાં ઉભો થયો ત્યારે ઓનકેમેરામાં પણ લાઈબ્રેરીયન ડો.અજીત પ્રજાપતિએ ફોટો પાડવાનો ઇન્કાર કર્યો હતો. જયારે બીજા દિવસે ગુરુવારે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા આ મુદ્દે નેત્રંગ કોલેજ પર આવતા ફોટોગ્રાફીની વાત પૂછતા કમનસીબે ડો.અજીત પ્રજાપતિએ ફોટો પાડ્યો હોવાની વાત કરી હતી. આમ તેમના નિવેદનો વિપરીત છે. આ બાબતે આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ તેની તપાસ કરશે અને હાલ તેમણે ગુરુવારે લેખિતમાં માફીપત્રક લખી આપ્યું છે.