Columns

પગ કપાવી, સળિયા ગોઠવીને લાંબા થવાની એક ગાંડી ફેશન વિશે જાણો છો તમે?

પગ કાપીને લાંબા બનવાની પ્રોસિજર હમણા હમણા વ્યાપક બનતી ચાલી છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં. જે પુરૂષોની ઉંચાઇ સવા પાંચથી સાડા પાંચ ફૂટ જેટલી અને જે સ્ત્રીઓ સાડા ચારથી પાંચ ફૂટની હોય તે ઓર્થોપેડિક-કોસ્મેટિક સજર્યનના શરણમાં જાય છે, લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી થોડા ઊંચા, થોડા લાંબા થાય છે. હજારો, લાખો લોકો કૃત્રિમ રીતે ઊંચાઇ વધારી રહ્યા છે પરંતુ ડેવિડ નામના એક માણસની સાચી ઘટનાનો દાખલો લો. ડેવિડની ઉંમર લગભગ પીસ્તાલીસ (45) વરસની હતી અને ઊંચાઇ પોણા છ ફીટ હતી ત્યારે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રમાણે એ પોતાને ટુંકો સમજતો હતો. એ ધનિકોના એરિયામાં વસતો હતો. ન્યુ યોર્કમાં એ એક ઓર્થોપેડિક (હાડકાના નિષ્ણાત) ડોકટરને મળવા ગયો. ત્યાં એણે ડોકટરને 75000 ડોલર, ભારતીય રૂપિયા લગભગ 62 લાખ, ચૂકવ્યા. શસ્ત્રક્રિયા વડે પોતાના પગ લાંબા કરાવવા માટે આ રકમ ચૂકવી હતી.

આ માટે એના બન્ને સાથળના હાડકાં વચ્ચેથી કાપવાના હતા. એ હાડકાના મધ્ય ભાગમાં એડજસ્ટ કરી શકાય તેવી ધાતુની પ્લેટો અને ખીલીઓ ગોઠવવામાં આવે. દરેક ધાતુ પ્લેટિનમની હોય જે હાડકાંની માફક થોડી સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. વળી તેની સાઇઝ પણ પ્રમાણસર રાખી શકાય છે. આમાં ધાતુની સંરચના હોય છે તે સિમેન્ટ-કોંક્રીટમાં લોખંડના સળિયાની જેમ સીધી સરળ હોતી નથી પણ અટપટી હોય છે, છતાં ખાસ અઘરી હોતી નથી. તેની સંરચના એવી રીતે કરાય છે કે એક મેન્ગેટિક અથવા ચુંબકીય રિમોટ કન્ટ્રોલ વડે તે સળિયાની લંબાઇ રોજ એક મિલિમિટર જેટલી વધારવામાં આવે છે.

આ વિધિ 90 દિવસ સુધી રોજ કરાય છે અને 3 મહિનાના અંતે તે સળિયાની લંબાઇ 90 (નેવું) મિલિમિટર વધી જાય છે. દરમિયાન જે હાડકાં કાપી નાખ્યા હોય તે પણ દવાઓ, ખોરાક અને અન્ય સારવાર દ્વારા સાજા થઇને ફરીથી એકમેક સાથે જોડાઇ જાય છે. હાડકાંની આવી પ્રકૃતિ હોય છે અને મધ્યમાં રહેલા ટિટેનિયમના સળિયાની ચારે તરફ હાડકાનું આવરણ બંધાઇ જાય છે તેથી બહારથી જોવાથી કશો ખ્યાલ આવતો નથી કે અંદર પ્લેટિનમ છે, જે રીતે લોકોને ખ્યાલ આવતો નથી કે સ્ત્રીની છાતીની અંદર સિલિકોન છે.

રોજના એક મિલિમિટરના હિસાબે ત્વચા ખેંચાવાથી તેના પર કોઇ ખાસ સ્ટ્રેસ જણાતો નથી. છતાં કૃત્રિમ છે તે કૃત્રિમ છે અને તેનો ખ્યાલ બીજાઓને આવી જતો હોય છે. શરીરમાં માત્ર સાથળ, અર્થાત એક જ જગ્યાએ પુરવણી કરીને ઊંચાઇ વધારવામાં આવી હોય છે. એક માપની રેન્જમાં શરીર સુડોળ દેખાતું હોય છે. થોડો ઘણો ફરક હોય તો ચાલે. આ તો વધુ મોટો ફરક અને તે પણ એક જ અંગ અવયવના એક જ હિસ્સામાં. આથી લંબાઇ વધારવાની સર્જરી કરાવી ચૂકેલા થોડા કઢંગા દેખાય, બેડોળ જણાય. કમર અને હાથની લંબાઇના પ્રમાણમાં પગની લંબાઇ વધુ દેખાય. ખાસ કરીને, જયારે તેઓએ માત્ર ટુંકી ચડ્ડી પહેરી હોય. સ્ત્રી હોય કે પુરૂષ, આઉટ ઓફ પ્રમોર્શન લાગે.

હાડકાં કાપીને, અંદર નવો સપોર્ટ બેસાડવાની આ વિધિ ત્રાસદાયક અને લાંબી ચાલે છે. મહિનાઓ બાદ પણ હાડકાં બરાબર રૂઝાતા નથી અને મજબૂત રીતે ફરીથી જોડાતા નથી. સાથળમાં પણ અમુક જગ્યાએ હાડકાં પોચાં રહી જાય છે અને નાની એવી પછડાટ કે માર લાગવાથી હાડકાં બટકી જવાનો ડર રહે છે. જેમ સમય વિતતો જાય, વરસ-બે વરસ પછી એ યોગ્ય સારવાર અને ખોરાક વડે મજબૂત થતાં જાય છે. છતાં રેણ (સાંધો) એટલે રેણ. તે ઓરિજિનલ જેવું ન બને. વળી જેઓ 90 કિલોગ્રામ કે વધુ વજન ધરાવતા હોય તેમના માટે આ પ્રોસીજર વધુ જોખમી અને ભયાવહ પુરવાર થઇ શકે છે. જો પ્લેટ (સળિયો) વજન ન ઉઠાવી શકે અથવા હાડકાં જોડાયેલા ન રહે તો પગ ગુમાવવાનો વારો આવે. વળી આ તમામ સમય પીડાદાયક રહે છે. ઘણા લોકોને જુવાનીમાં હાડકામાં વાગી ગયું હોય તે બુઢાપામાં દુ:ખે છે. અહીં પણ શારીરિક પીડા સાથે નાતો બાંધવો પડે છે. દુ:ખાવો સતત અને વ્યાપક રહે છે. થોડું કંઇક વાંકુ ચાલ્યું એટલે દુ:ખાવો શરૂ.

 હાડકાંની આસપાસના જૂના મસલ્સ, માંસ મજ્જા નવેસરથી ગોઠવાયા બાદ અસહય પીડા આપે. સર્જરી બાદ ઊંચો થયેલો માણસ મહિનાઓ સુધી ચાલી શકતો નથી. દુ:ખાવો ન થાય તે માટે મોટી માત્રામાં પેઇનકિલર (દર્દશામક) દવાઓ લેવી પડે. આમ થવાથી એક બીજું જોખમ એ રહે છે કે દર્દશામક દવાનું આજીવન વ્યસન લાગી જાય છે. ઘણા લોકો બંધાણ લાગુ ન પડે તે માટે દર્દ રહેતું હોય તો પણ પેઇનકીલર લેવાનું બંધ કરી દે. વધુ સમય પીડા સહન કરવી પડે. એક તરફ ખીણ, બીજી તરફ પહાડ.

ઘણા અધરવાઇઝ રૂપાળા, સ્માર્ટ, મિલનસાર, જણાતા લોકો એક વૈભવી મકાન ખરીદી શકાય એટલી કિંમત ચૂકવીને ચાર-પાંચ ઇંચ વધારવા શા માટે માગે છે? જે ડેવિડની આપણે વાત કરી એ ઘણો સોહામણો યુવક છે અને 4 બાળકોનો પિતા છે પણ એને પોતાની પોણા છ ફીટની ઊંચાઇ ઓછી લાગતી હતી. આટલે ઊંચાઇ કંઇ ઓછી ન ગણાય. પરંતુ ડેવિડ એબોવ એવરેજ બનવા માગતો હતો. ‘ઊંચાઇને કારણે સમાજ પર પ્રભાવ પડે છે.’ એના પોતાના નિરીક્ષણમાં એ વાત આવી હતી કે, ‘વધુ ઊંચાઇવાળા માણસો વધુ કામ કરાવી જતા હોય છે.

તેઓની જિંદગી આસાન થઇ જતી હોય છે.’ ડેવિડ માનતો કે જગત લાંબા માણસ માટે વધુ અનુકૂળ છે અને આખી સમાજવ્યવસ્થા લાંબા જણને અનુરૂપ અને આધીન બનાવવામાં આવી છે. એટલું ખરૂં કે ઊંચા માણસને વધુ સ્વીકૃતી મળે છે. મૂકરી કે રાજપાલ યાદવ કોમર્શિયલ ફિલ્મના હીરો ન બની શકે. છતાં એ પણ સાચું છે કે ટુંકો માણસ રાજપાલ યાદવ બની શકે. લાલ બહાદૂર શાસ્ત્રી કે ચાર્લી ચેપ્લીન બની શકે. શરીરની ઊંચાઇ કરતા પણ આત્મવિશ્વાસ ઊંચો હોવો જોઇએ. અમેરિકામાં આ પ્રોસીજરનો એટલો ફેલાવો નથી થયો કે ઠેર ઠેર કિલનિકો, હોસ્પિટલો ખુલવા માંડે.

પગ કાપી, લાંબા કરી આપતા સજર્યનોની સંખ્યા હજી ગણી ગાંઠી છે. તેમાં પણ જે નિષ્ણાતો ગણાય તેવા તબીબોમાં ભારતીય વંશના ડોકટર કે. દેવીપ્રસાદ છે. એમની દુનિયાના વૈભવી જુગારધામ લાસ વેગાસ ખાતે હોસ્પિટલ છે. અમેરિકામાં કોરોના સંકટના પગલે વર્ક ફ્રોમ હોમ અર્થાત ઘરેથી કામ કરવાની રીત અપનાવવામાં આવી ત્યારબાદ વધુ ઊંચા થવા માગતા લોકો વધુ સંખ્યામાં આવવા માંડયા. દેવીપ્રસાદની હોસ્પિટલમાં એક મહિનામાં ત્રણ ડઝનથી વધુ લોકો આવે છે. બીબીસીનો એક રિપોર્ટ કહે છે કે અમેરિકામાં દર વરસે સેંકડો લોકો આ પ્રોસીજર કરાવે છે.

Most Popular

To Top