SURAT

સુરત એરપોર્ટ તરફ જતી સિટી બસમાં મહાવીર હોસ્પિટલ પાસે આગ લાગી, વીડિયો

સુરત: સુરત મનપા દ્વારા સંચાલિત સિટી બસમાં બુધવારે તા. 20 માર્ચે ચોંકાવનારી ઘટના બની હતી. પેસેન્જરથી ભરેલી બસ રોડ પર દોડી રહી હતી ત્યારે બસના સાઈલેન્સરમાં આગ લાગી હતી, જેના લીધે રોડ પર ધૂમાડા નીકળવા લાગ્યા હતા. દોડતી બસમાંથી ધૂમાડા નીકળતા લોકોએ બૂમાબૂમ મચાવી મુકી હતી. ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારી બસ રસ્તા વચ્ચે ઉભી રાખી દીધી હતી. પેસેન્જરોએ બસમાંથી ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે વનિતા વિશ્રામ સામે મુસાફરો ભરેલી એક સીટી બસના સાયલેન્સરમાં આગ ભભૂકી ઉઠી હતી. તેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો ગભરાયા હતા તો બીજી તરફ રસ્તા પરના અન્ય વાહનચાલકોએ પણ બસથી દૂર પોતાના વાહનો થોભાવી દીધા હતા. ડ્રાઈવરએ સમયસૂચકતા દાખવીને બસને તાત્કાલિક સાઈડમાં લઇ લીધી હતી અને તમામ મુસાફરોને સહીસલામત નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ કોસાડ ડેપોથી સિટી બસ આજે સવારે એરપોર્ટ તરફ જઈ રહી હતી. બસ મહાવીર હોસ્પિટલ વનિતા વિશ્રામ પાસેથી પસાર થઇ રહી હતી. બસના સાઇલેન્સરમાંથી આગ નીકળતા સ્થળ ઉપર હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી

બસના ડ્રાઈવર સોમસિંહ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સવારે 6.30 વાગ્યે કોસાડ ડેપો પરથી બસ લઈને નીકળ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન પહોંચી ત્યાંથી એરપપોર્ટ જવા માટે નીકળ્યા હતા .બસની અંદર 20થી 25 જેટલા મુસાફરો હતા.વનિતા વિશ્રામ પાસે કંઈક બળવાની દુર્ગંધ આવતા બસ તાત્કાલિક સાઈડમાં લઇ લીધી હતી અને બધા મુસાફરોને સહીસલામત બહાર ઉતાર્યા હતા.

ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલએ જણાવ્યું હતું કે આગ સામાન્ય હતી. થોડા જ સમયમા કંટ્રોલમાં કરી લેવામાં આવી હતી. સાઇલેન્સરમાં આગ હતી જેથી ફાયર એક્સ્ટિંગ્યુશરથી આગને ઓલાવવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ કાબુમાં નહીં આવી હતી જેથી ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી. ફાયર જવાનોએ ઘટના સ્થળે આવીને આગ ઓલવી દીધી હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની નહીં થવા પામી હતી.

Most Popular

To Top