સુરત : પોલીસ કમિશનરની સૂચનાથી હાલ શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના અને હોટલના રૂમમાં ચાલતા કુટણખાના ઉપર કાર્યવાહી શરૂ કરાઈ છે. એક મહિલા ડીસીપી અને 6 મહિલા એસીપીની ટીમ આ માટે કાર્યવાહી કરી રહી છે. ત્યારે શહેરના ભીમરાડ કેનાલ રોડ પર આવેલા એટલાન્ટા શોપિંગમાં ચાલતી ગોલ્ડ હોટલના રૂમમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું હતું. આ સિવાય ભીમરાડ ખાતે આવેલી અનંત રૂમ્સ નામની હોટલના રૂમમાંથી પણ કુટણખાનું ઝડપાયું હતું. જ્યારે વેસુ આભવા રોડ પર સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું. પોલીસે કુલ 15 થી વધું લલનાઓને મુક્ત કરાવી હતી. તથા સ્પા અને હોટલના માલિકો, દલાલો અને સંચાલકોની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
કેસ-1
એએચટીયુની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેસુ આભવા ખાતે અગ્રવાલ કોલેજની પાસે આગમ રેસીડેન્સીની સામે મહાલક્ષ્મી ડ્રીમ નામની બિલ્ડીંગમાં દુકાન નં-7 ના કીયાસ સ્પા નામના મસાજ પાર્લરમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા કાઉન્ટર ઉપર એક વ્યક્તિ મળી આવ્યો હતો. અંદર કેટલીક રૂમો બનાવેલી હતી. બેસેલા વ્યક્તિનું નામ અનુરાગ કૃષ્ણકુમાર તિવારી (ઉ.વ.32, રહે.અપેક્ષાનગર સોસાયટી, પાંડેસરા) હોવાનું જણાવ્યું હતું. પોતે સ્પાનો માલિક હોવાનું જણાવ્યું હતું. સ્પામાંથી 13 મહિલાઓ મળી આવી હતી. તમામની પુછપરછ કરી મુક્ત કરાઈ હતી. અને સ્પા માલિકની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ હતી.
કેસ-2
અલથાણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભીમરાડ કેનાલ રોડ ખાતે એટલાન્ટા શોપિંગ સેન્ટરમાં આવેલા ગોલ્ડ નામની હોટલના માલિકે હોટલમાં મહિલાઓને રાખીને કુટણખાનું ચલાવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા હોટલમાં પેસેજમાં 8 રૂમ બનાવી હતી. કાઉન્ટ ઉપર હાજર વ્યક્તિનું નામ પુછતા ઘર્મરાજ કૈલાશ મોહડ (ઉ.વ.22, મહાદેવનગર, આઝાદનગર, ભટાર) હોવાનું તથા પોતે ત્યાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. હોટલમાં આવતા ગ્રાહકો પાસેથી 1500 રૂપિયા અને શરીર સુખ માણવા માટેના 1500 અલગથી લેતા હતા. રૂમમાંથી ગ્રાહક તરીકે આવેલો રાજકુમાર રાજભાન મિશ્રા (ઉ.વ.27, કર્મભૂમિ એપાર્ટમેન્ટ વલસાડ) મળી આવ્યો હતો. કમલેશકુમાર મહેશ સીંગ (રહે.સુગિબાલ નારાયણપુર, ભોજપુર) હોટલ માલિક છે.
કેસ-3
મહિલા સેલને પણ ભીમરાડ કેનાલ રોડ પર મેસીમો કોમ્પલેક્ષના ચોથા માળે અનંત રૂમ્સ નામની હોટલના રૂમમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. રેઈડ કરતા રૂમમાંથી ઉમંગ વિજય અગ્રવાલ (ઉ.વ.23, આશિર્વાદ વિલા, ન્યુ સિટીલાઈટ) એક લલના સાથે મળી આવ્યો હતો. હોટલ રીસેપ્શન પર બેસેલા વ્યક્તિનું નામ કેમિલ રમેશ પટેલ (ઉ.વ.24, રહે.સુથાર ફળીયું, બમરોલી) હોવાનું તથા પોતે ત્યાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. રાજુ નામનો વ્યક્તિ લલનાઓ પુરી પાડી ગ્રાહકો પાસેથી 4 હજાર લેતો હતો. પોલીસે ત્યાંથી બે મહિલાઓને મુક્ત કરાવી હતી. અને વધારે તપાસ હાથ ધરી છે.