સાયણ: સાયણ (Sayan) સુગર ફેક્ટરીના (Sugar Factory) પેટ્રોલપંપ (Petrol Pump) સામેના રોડ ઉપર એક અજાણ્યા બાઇકના ચાલકે એક પરપ્રાંતીય યુવકને અડફેટે (Accident) લીધો હતો. રાત્રે બનેલી હિટ એન્ડ રનની (Hit And Run) આ ઘટનામાં અકસ્માત સર્જી બાઈક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત બેરોજગાર બિહારી હાલ સુરતની સ્મીમેર હોસ્પિટલના બિછાને બેભાન હાલતમાં સારવાર લઈ રહ્યો છે.
મૂળ બિહારના નાલંદાના વતની જેવર્ધન ઉમાકાંત યાદવ હાલ પલસાણાના તાતીથૈયા, જોળવા રોડ, કડોદરા મુકામે આવેલી હિનપાર્ક બિલ્ડિંગના મ.નં.-૧૫માં રહે છે. જેવર્ધન યાદવ છેલ્લાં બે મહિનાથી કોઇ કામધંધો કરતો ન હોવાથી બેરોજગાર હતો. જેવર્ધન ગત સોમવારે સાંજે તેના મિત્ર નરેશ સાથે કોઈક કામ અર્થે સાયણ સુગર રોડ ઉપર આવ્યો હતો.
બંને કામકાજ પતાવી ઘરે આવવા નીકળ્યા હતા. મિત્રો રાત્રે ૧૦ કલાકે સાયણ સુગર પેટ્રોલપંપ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે રોડ ઉપર પૂરપાટ ઝડપે દોડતા એક અજાણ્યા બાઇકના ચાલકે બાઈક ગફલતભરી રીતે હંકારી જેવર્ધનને ટક્કર મારતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. આથી તેના મિત્રએ સાયણની જીવનરક્ષા હોસ્પિટલ બાદ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં બેભાન અવસ્થામાં સારવાર લઈ રહ્યો છે.
આ મામલે બીજા દિવસે મંગળવારે ઈજાગ્રસ્તની પત્ની મીનાબેન યાદવે મોડી સાંજે ઓલપાડ પોલીસમથકમાં અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારેલી ગામની નહેરમાં સુરતના આધેડ બાઈક સાથે ખાબક્યા, મોત
સાયણ: કીમ-સાયણ રાજ્ય ધોરી માર્ગ ઉપર મો.સા. હંકારી જઈ રહેલા મોટા વરાછામાં રહેતા એક સૌરાષ્ટ્રીયનવાસી આધેડ ઓલપાડના કારેલી ગામ પાસેથી પસાર થતી નહેરના પાણીમાં મો.સા. સાથે ખાબક્યો હતો. જેથી ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
મૂળ સૌરાષ્ટ્રના રાજકોટના જસદણ ટાઉન મથકના વતની રમેશ નાથા હીરપરા હાલમાં સુરત શહેરના મોટા વરાછાની સી-૨, ક્રિષ્ના ટાઉનશીપના મ.નં-૧૦૪માં રહેતા હતા. તેઓ નિયતિ એન્ટરપ્રાઇઝના નામથી માંગરોળના પીપોદરા વિસ્તારની ટેમ્પો ગલીમાં તેના પુત્ર કલ્પેશ સાથે પ્લાસ્ટિક વેસ્ટેજનો ધંધો કરતા હતા.
ગત મંગળવારે ઘરે આવવા તેમની મો.સા. હંકારી કીમ-સાયણ રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે ૭:૪૫ કલાકના સુમારે કારેલી ગામના રોડની બાજુમાંથી ડાબા કાંઠા નહેરના મોટા પુલ પરથી પસાર થતી વેળા તેમણે મો.સા.ના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેઓ બાઈક સાથે નહેરના પાણીમાં પડ્યા હતા. આથી ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
જો કે, રોડ પરથી પસાર થતા સ્થાનિકોએ આ દુર્ઘટના મામલે ત્વરિત પોલીસને જાણ કરી હતી. આથી ઘટના સ્થળે આવેલી પોલીસે સ્થાનિક રહીશોની મદદથી રમેશભાઈ હીરપરાની લાશ અને બાઈક પાણીમાંથી બહાર કાઢી પરિવારજનોને જાણ કરી હતી. ઘટના સ્થળે આવેલા પુત્ર કલ્પેશે પિતાની લાશની ઓળખ કરી સાયણના સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું અને પિતાનું મોત નહેરના પાણીમાં ડૂબી જવાથી થયું હોવા બાબતે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.