બારડોલી : બારડોલીની (Bardoli) સાધનાનગર સોસાયટીમાં રહેતી માસીને ત્યાં વેકેશનમાં (Vacation) માતા અને બહેન સાથે રહેવા આવેલો 9 વર્ષીય બાળક ગુમ થઈ ગયા બાદ તેનો મૃતદેહ મળસકે 2 વાગ્યે નજીકથી પસાર થતી નહેરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. રમતી વખતે બાળક નહેરમાં પડી જતાં તેનું મોત (Death) થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
- નૈતિક માતા અને બહેન સાથે રહેવા આવ્યો હતો, રમત રમતમાં નહેરમાં પડી ગયો
- વોટર વર્કસમાં કામ કરતા કડોદના કિશોરસિંહ વાંસીયાએ એકનો એક પુત્ર ગુમાવ્યો
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ગામે નાગર ફળિયામાં રહેતા કિશોરસિંહ ગુણવંતસિંહ વાંસીયા ગ્રામ પંચાયતના વોટર વર્કસમાં કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની દીપિકા, પુત્રી હેત્વી (ઉં.વ.13) અને પુત્ર નૈતિક (ઉં.વ.9) છે. હેત્વી ધોરણ-8માં અભ્યાસ કરે છે. જ્યારે પુત્ર ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી કિશોરસિંહની પત્ની દીપિકા તેનાં બંને સંતાન સાથે 29મી મેના રોજ બારડોલીના ગાંધી રોડ પર આવેલી સાધના નગર સોસાયટીમાં રહેતી બેન કિન્નરી જિતેન્દ્રસિંહ સોલંકીને ત્યાં રહેવા માટે ગયા હતા.
સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ નૈતિક ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો. મોડી સાંજ સુધી પરત નહીં ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સોસાયટીના CCTV કેમેરા તપાસતા નૈતિક સાડા 6 વાગ્યાની આસપાસ નજીકથી પસાર થતી નહેરની પાળી પર ચાલતો નજરે પડ્યો હતો. આથી પોલીસે બારડોલી ફાયર વિભાગની મદદથી બાળકની નહેરમાં શોધખોળ હાથ ધરી હતી.
મોડી રાત સુધી તપાસ કર્યા બાદ મંગળવારે મળસકે 2 વાગ્યે સાધનાનગરથી બે કિમી દૂર નહેરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. એકના એક પુત્રનું નહેરમાં ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ કબજો પરિવારજનોને સોંપ્યો હતો. હાલ પોલીસે મૃતક બાળકના પિતા કિશોરસિંહની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કેનાલની બંને તરફ જાળી લગાવવા માંગ
બારડોલીના અલંકાર સિનેમાથી સુરત રોડ તરફ જતી નહેરની બંને તરફ નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. આ કેનાલ રોડ નિર્માણ સમયથી જ વિવાદમાં રહ્યો હતો. કોન્ટ્રાક્ટર અને પાલિકાની લાપરવાહીને કારણે આ સીસી રોડ બન્યાના ખૂબ જ ટૂંકા ગાળામાં તૂટી જતાં સ્થાનિક રહેવાસીમાં ભારે આક્રોશ હતો. દરમિયાન રોડ પર લાઇટ અને સીસીટીવી કેમેરાની પણ સગવડ ન હોવાથી રહીશોએ પાલિકામાં અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ પાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. હવે નહેર કિનારે રમતાં રમતાં બાળક ડૂબી જવાની ઘટના બાદ રહીશોમાં ફરી રોષ ભભૂકી ઊઠ્યો છે. રહીશો કેનાલની બંને તરફ મીંઢોળા બ્રિજની જેમ જાળી લગાવવાની માંગ કરી રહ્યા છે. જેથી આસપાસની સોસાયટીનાં બાળકો રમતી વખતે અકસ્માતનો ભોગ ન બને. આ ઉપરાંત જાળી લગાવવાથી વાહનોના અકસ્માતનું પણ જોખમ ટાળી શકાય એમ છે. ત્યારે નગરપાલિકા આ મામલે યોગ્ય નિર્ણય લે એ જરૂરી છે.