Charchapatra

લગ્નની લાલચમાં સ્ત્રીઓ શા માટે ફસાય છે?

લગ્નની લાલચ આપીને, કેટલીય સગીર બાળાઓને, યુવતિઓને, વિધવાઓને, ત્યકતાઓને, તથા પરિણિત મહિલાઓને પુરુષો છેતરતા રહે છે, એના સમાચારો, અવારનવાર પ્રકાશગાં આવતા રહે છે. આવી સ્ત્રીઓને, પુરુષો તરફથી લગ્નની લાલચ આપવામાં આવે છે. અને પછી એમની સાથે વ્યભિચાર આચરવામાં આવે છે. પછી લગ્ન શકય નહિ બનતાં, પેલા વ્યભિચારી પુરુષો, કાં ભાગી જાય છે કે કાં ના પાડી દે છે. પછી વાત જાય છે છેક પોલિસ સ્ટેશનોએ. સવાલ એ થાય છે કે, શું સ્ત્રીઓ એટલી બધી આંધળી, અણસમજુ અને બુધ્ધિવિહિન બની જાય છે કે, એમની સાથે સંપર્કમાં આવનાર પુરુષોમાં વિશ્વાસ મુકી દે અને દેહ પણ ધરી દે?!

આવી સ્ત્રીઓનો પ્રેમ શું એટલો બધો ‘અંધ’ હોય છે કે, એ ઓરતો, પુરુષોને હવાલે, કોઇપણ જાતના ડર વગર થઇ જતી હોય છે. હવે તો મોબાઇલના કાચમાં પ્રેમ થઇ જાય છે, અને પ્રેમિકાઓ, કશા પણ સામાજીક ભાન વગર, મોબાઇલ પ્રેમીઓ પાછળ, આંધળી દોટ મુકતી હોય છે. અરે, કેટલીક પરણેલી અને સંતાનોની માતાઓ પણ, પરપુરુષોના લફરામાં પડીને, પોતાનો સંસાર સળગાવવામાં મોટી ભૂમિકા ભજવતી હોય છે. કેટલીક સ્ત્રીઓ, પરધર્મીઓને પરણીને, એમાંથી છુટવા, ધમપછાડા કરતી હોય છે. આ સ્થિતિએ વાત એક જ હોઇ શકે કે, સ્ત્રીઓએ, આટલા બધા ભોળા કયારેય ના બનાય. ‘સંબંધ’ છેક ‘દેહસંબંધ’ સુધી પહોંચે એમાં બેદરકારી કોની ગણવી?

પથ કાંટાથી ભરેલો પડયો છે. એમાંથી પસાર થવાનું છે. પણ કાંટા, ના વાગે એનું પૂરેપૂરું ધ્યાન પણ ઓરત જગતે રાખવાનું છે. સ્ત્રીઓ, પોતાના ભોળપણ અને ભોટવેડાથી, પુરુષો સાથેની દોસ્તીમાં ફસાઇ જાય છે, એમાં દોષ કોનો ગણવો?! ચિકણીમાટીની લપસણી આ ભૂમિ ઉપર ચાલતાં – ચાલતાં લપસી ના જવાય, એનું ભાન અને જ્ઞાન, પ્રત્યેક ઉંમરની સ્ત્રીઓએ રાખવાનું જ હોય. લગ્નની લાલચમાં, સ્ત્રીઓએ શા માટે ફસાવવું જોઇએ?!
સુરત     – બાબુભાઇ નાઇ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top