વડોદરા : સલાઉદ્દીનના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના પણ સીટની ટીમે નિવેદન લેતા ચોકાવનારી હકીકત સપાટી પર આવી હતી. તદઉપરાંત અન્ય પરપ્રાંતિય મુસ્લિમ સંગઠનોનુે પણ અઢળક ફંડ હવાલાકાંડ દ્વારા પૂરુ પાડ્યું હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો હતો. આવતીકાલે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થશે.
આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ ધર્માંતરણ અને દેશદ્રોહી પ્રવૃતિઓ આચરતો સલાઉદ્દીન શેખના કાળા કારનામા વિષે અન્ય ટ્રસ્ટીઓ તદ્દન અજાણ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ટ્રસ્ટી ડો.અહેમદ શેખ તથા મુસા પટેલને સીટની ટીમે આજે નિવેદન લેવા બોલાવ્યા હતા. મેરેથોન પૂછતાછ દરમિયાન બંને ટ્રસ્ટીઓએ તપાસ અધિકારીને જણાવ્યું હતું કે ટ્રસ્ટના નામે સલાઉદ્દીન આચરેલી અન્ય પ્રવૃત્તિઓ ફન્ડિંગ હવાલાકાંડના નાણાંની લેવડ દેવડ અંગે કાંઇ જ જાણતા નથી.
તદઉપરાંત તપાસમાં સ્ફોટક વધુ ખુલાસા સલાઉદ્દીન શેખે કર્યા હતા. તેમાં આરોપીઓના મહારાષ્ટ્ર સ્થિત જલગાંવના પણ ફંડિંગ કનેકશન સપાટી પર આવ્યા હતા. સ્થાનિક મુસ્લિમ સંગઠનના મહંમદ સાજીદ ખાલીદ અને સાહિલ નામના ઇસમોને છેલ્લા ત્રણ વર્ષમાં 12થી 15 કરોડ રૂપિયા હવાલાના નાણાં આંગડિયા પેઢી દ્વારા મોકલાવ્યા હતા. જે નાણાના કયા કામમાં વપરાયા તે બાબતે સલાઉદ્દીન ગોળ ગોળ જવાબ આપે છે.
પરંતુ ટીમની આકરી પૂછપરછમાં સલાઉદ્દીન શેખે કબૂલાત કરી હતી કે ઓરીસ્સા ખાતે અશ્ફાકને 23 લાખ અને રાજસ્થાનના અબ્દુલ મજિદને 4 કરોડ આપ્યા છે. બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ શનિવારે પૂરા થશે. સીટની ટીમે સાત દિવસની પૂછતાછ અને દોડધામમાં અનેક મજબૂત પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું તે આધારે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માગશે કે પછી કોર્ટ જેલ હવાલે કરવા હુકમ કરશે તે શનિવારે જાણવા મળશે.