Charchapatra

આવકારદાયક અનોખી પહેલ

નાગાલેન્ડના તમામ પક્ષોએ એક થઇને રાજયમાં વિપક્ષરહિત સરકારની પહેલ કરી છે. નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષો હવે સરકારનો વિરોધ કરવાના બદલે નાગાલેન્ડના વિકાસ માટે પ્રયત્ન કરશે. નાગાલેન્ડમાં એનડીપીપીના નેઇફુરીયો મુખ્યમંત્રી છે. જયારે નાગા પીપલ્સ ફ્રન્ટ મુખ્ય વિરોધ પક્ષ છે. ભાજપે રીયોની સરકારને ટેકો આપ્યો છે. આ તમામ પક્ષોએ ભેગા થઇને યુનાઇટેડ ડેમોક્રેટિક એલાયન્સની રચના કરીને સર્વાનુમતે વિપક્ષરહિત સરકારનો ઠરાવ પસાર કર્યો છે. આ સરકારમાં રીયો મુખ્યમંત્રીપદે ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર પાસેથી રાજયના વિકાસ અર્થે મહત્તમ મદદ મેળવવા તમામ સાઇઠ ધારાસભ્યો અને બે સાંસદોની પાર્લામેન્ટરી કમિટી બનાવાઇ છે.

આ કમિટી રાજયમાં હિંસાનો અંત આવે અને આંતરિક સમસ્યાઓ ઉકેલાય એ માટે પણ કામ કરશે. કેન્દ્ર સરકારે 2015 માં નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડ સાથે નાગાલેન્ડમાં હિંસાનો અંત લાવવા કરાર કર્યા હતા, પણ તેનો યોગ્ય અમલ થયો નથી. તેથી હવે તમામ પક્ષોએ આ કરારના અમલ માટે કમર કસી છે. આ પહેલ નાનાં રાજયો માટે ટ્રેન્ડ સેંટર પુરવાર થઇ શકે છે. નાગાલેન્ડમાં વિપક્ષ રહિત સરકારની આવી અનોખી પહેલ સ્તુત્ય અને આવકારદાયક છે. સાથોસાથ અન્ય નાનાં રાજયો માટે અનુકરણીય પણ છે જ.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top