સુરત: (Surat) સુરત શહેરમાં મોડી રાતથીભારે વરસાદ ખાબક્યો હતો. જતા વરસાદે (Rain) ભારે વિજળીના (Rain lightning) કડાકા ભડાકા કર્યા હતા. સવારે વાદળોના ભારે ગડગડાટ (Thunder) અને વિજળીના ચમકારાએ સુરતીઓની ઉંઘ ઉડાડી દીધી હતી. દરમ્યાન સુરતના પુણા વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટી વિભાગ-2 ના મકાન નં.61/62 ના ધાબા પર વીજળી પડતા દોડાદોડ થઈ ગઈ હતી. વિજળી પડતા આજુબાજુના 20 થી વધુ ઘરોમાં લાઈટ પંખા સહિત ઇલેક્ટ્રોનિક સાધનો ને નુકસાન થયું હતું. વિજળીની પડવાની જાણ વાયુવેગે આ વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. બીજી તરફ ઉપરવાસમાં પણ સામાન્ય વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 53 હજાર ક્યુસેક પાણીની આવક ચાલું રહેતાં હાલમાં ડેમની સપાટી ભયજનક સ્તરથી માત્ર 3 ફૂટ નીચે છે. સપાટી 342.12 ફુટે પહોંચી છે.
સુરતમાં બુધવાર રાત્રિથી ગુરુવાર સવાર સુધીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. બપોર બાદ વરસાદે પોરો ખાધો હતો. દરમ્યાન ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પણ સતત પાણીની આવક થઈ રહી છે. જેને કારણે ફરી ઉકાઈ ડેમ 342 ફૂટની સપાટી વટાવી ગયો છે. જોકે જતા વરસાદને જોતા તંત્ર દ્વારા ઉકાઈ ડેમને વધુ ભરવાનો નિર્ણય લેવાયો છે પરંતુ ઉકાઈની સપાટી જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ સુરતીઓની બ્લડ પ્રેશર પણ વધતું હોય છે. જોકે હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આ છેલ્લી સિસ્ટમ હતી અને આ સિસ્ટમ બાદ વરસાદ વિદાય લેશે. પરંતુ જોવું એ રહ્યું કે ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી હજી કેટલી ઉપર જાય છે. મળતી માહિતી પ્રમાણે ગુરુવાર બપોરે 4.00 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 342.12 ફૂટ પર છે. ડેમમાં પાણીની આવક 51,953 ક્યૂસેક જ્યારે જાવક 17,030 ક્યૂસેક છે.
- 𝗨𝗸𝗮𝗶 𝗗𝗮𝗺
- Date :23/09/2021
- Time :16:00 hrs.
- Level : 342.12 ft
- 𝗜𝗻𝗳𝗹𝗼𝘄 : 51,953 Cusecs
- 𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄: 17,030 Cusec
બુધવારે મધરાતથી સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. આખાય દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વરસી રહ્યાં છે. સુરતના વરાછા-એ ઝોનમાં બુધવારે રાત્રિના 12 વાગ્યાથી ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ 124 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. કામરેજની ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન થયું હતું. મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરાછા ઝોન-એમાં 10 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરાછા અને કામરેજ તરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સાથે જ હાઈ વે પર પાણી ફરી વળતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.