Charchapatra

શિક્ષક દિન… શિક્ષણ દિન…આં.રા.શિક્ષક દિવસ

ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ૧૧ નવેમ્બરના દિવસને રાષ્ટ્રીય શિક્ષણ – દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મતિથિ નિમિત્તે આ દિન રાષ્ટ્રીય શિક્ષણ-દિન તરીકે ઉજવાય છે. માણસને સંસ્કાર આપીને સારો નાગરિક બનાવવામાં શિક્ષણનો મોટો ફાળો છે. તેથી યુનેસ્કોએ શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ૫ (પાંચ) ઓકટોબરને આં.રા.શિક્ષક દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યું હતું. દેશનિર્માણમાં જેમણે આખું જીવન અર્પણ કરી દીધું એવા ઉપરાષ્ટ્રપતિ અને બાદમાં રાષ્ટ્રપતિ બનેલા ડૉ. રાધાકૃષ્ણનને શિક્ષકો માટે ખૂબ સન્માનનીય ભાવ હતો.

પણ સમાજે શિક્ષકોને જે સન્માન હ્રદયપૂર્વક આપવું જોઈએ તે સ્થાન હવે ભેટ – સોગાદોએ લઈ લીધું છે. આ વર્ષે ૫ મી સપ્ટેમ્બર રવિવારે આવે છે ત્યારે રજા હોવા છતાં કેટલી શાળાઓ શિક્ષકોની હાજરી સાથે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આદરભાવ વ્યકત કરવા શાળા ચાલુ રાખી આ દિનની ઉજવણી કરશે? એ તો શિક્ષકો પ્રત્યે જેમને ખૂબ પ્રેમ, આદર અને સન્માનનીય ભાવ હતો એવા આજીવન શિક્ષક ડૉ. સર્વપલ્લી પણ ન જાણી શકે! જે શાળાઓ   covid 19 ની મહામારીને ધ્યાનમાં રાખીને SOP નું  પાલન કરી રવિવારે પણ ( રજા હોવા છતાં )આ ઉત્સવ ઉજવવા શાળાએ હાજર રહેશે એવાં તમામને હાર્દિક વંદન સહ અભિનંદન.

સુરત     – અરુણ પંડ્યા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top