નવસારી : સુરત (surat)ના ટુર એન્ડ ટ્રાવેલ્સ (tour and travels)ના સંચાલકે નવસારી (Navsari)ની યુવતી પાસેથી વિદેશ મોકલવા (job in abroad)ના બહાને 3.75 લાખ પડાવી વિદેશ નહીં મોકલી છેતરપીંડી (fraud) કરતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (police station) પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, નવસારીના છાપરા ગામ શક્તિનગર સોસાયટીમાં શિમ્પલબેન વિજયભાઇ પટેલ રહે છે. ગત 2019માં શિમ્પલબેનની ફોઇની છોકરી માધવીએ સુરતના રાંદેર સુબેદાર સ્ટ્રીટમાં રહેતા અને સુરત સહારા દરવાજા કૃષિ બજાર ગ્લોબલ ગેટ વે ટુર એન્ડ ટ્રાવેલ્સમાં સોયેબભાઇ ઇકબાલ વલીમીયા સાથે શિમ્પલબેનની ફોન ઉપર ઓળખાણ કરાવી વાત કરાવી હતી. સોયેબે દુબઇ (dubai)ની વેઇન માઇગ્રેશન નામની કંપનીમાં નોકરી કરવાની જાણ કરી કંપનીમાં તમને ખુબ જ ફાયદો થશે, તમારૂ ભવિષ્ય બનશે તેવુ જણાવતા શિમ્પલબેને ઇચ્છા બતાવી હતી. ત્યારબાદ શિમ્પલબેને તેમનો ઇ-મેઇલ એડ્રેસ સોયેબને મોકલતા સોયેબે વેઇન માઇગ્રેશન નામની કંપનીનો ઓફર લેટર ઇ-મેઇલ કર્યો હતો. જે ઓફર લેટરની પ્રિન્ટ કાઢી શિમ્પલેન સુરત સોયેબની ઓફિસે ગઇ હતી. જ્યાં સોયેબે દુબઇ વેઇન માઇગ્રેશન નામની કંપનીમાં નોકરી માટે 3.75 લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું.
જેથી શિમ્પલબેને તેના ભાઇ વૃષભ ચૌહાણના બેંક ઓફ બરોડાના અકાઉન્ટમાંથી 97,500 રૂપિયા સોયેબના બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બે દિવસ પછી શિમ્પલબેનનો ભાઇ અંકિત 90 હજાર રૂપિયા રોકડા સોયેબને આપ્યા હતા. ગત 20મી મે 2019ના રોજ દુબઇના વિઝા આપ્યા હતા. જેથી બીજા દિવસે શિમ્પલબેને તેમની માતા યોગીતાબેનના બેંક ખાતામાંથી 1,87,500 રૂપિયા આર.ટી.જી.એસ. થી જમા કરાવ્યા હતા. ત્યારપછી સોયેબે મોબાઇલ ઉપર ફોન કરી શિમ્પલબેનને તમારી ટીકીટ આવી જશે અને તમને ફોન ઉપર ટ્રેનીંગ આપશે અને જુન મહિનામાં ટ્રાવેલીંગ થઇ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ ત્યારપછી સોયેબે કંપની બરાબર નથી તેમ કહી અલગ-અલગ બહાના કાઢી તારીખ લંબાવ્યા કરી દુબઇ મોકલ્યા ન હતા. શિમ્પલબેન પાસેથી 3.75 લાખ પડાવી લીધા હોવાનું ધ્યાને આવતા શિમ્પલબેને સોયેબ પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. સોયેબે વિજયા બેંકનો અજાણ્યા ઇસમના અકાઉન્ટનો 3 લાખનો ચેક 2 ફેબ્રુઆરી 2020 નો લખી આપ્યો હતો. જેથી ગત 3જી ફેબ્રુઆરી 2020માં શિમ્પલબેને તે ચેક તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યો હતો.
પરંતુ તે ચેક બાઉન્સ થયો હતો. જેથી શિમ્પલબેને ફરી રૂપિયાની માંગણી કરતા સોયેબ અલગ-અલગ બહાના કરી રૂપિયા આપ્યા ન હતા. કે વિદેશ મોકલ્યા ન હતા. આ બનાવ અંગે શિમ્પલબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સોયેબ ઇકબાલ વલીમીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ એન.બી. સોલંકીએ હાથ ધરી છે.