રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે કહ્યું હતું કે, અમદાવાદમાં મુસ્લિમ ગીચ વિસ્તારમાં જે લોકો નિઝામુદ્દીન જઈને આવ્યા છે તેમના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મારી અપીલ છે કે નિઝામુદ્દીન જઈને આવ્યા હોય એ લોકો ત્વરિત ક્વોરન્ટાઇન કરાવે નહીં તો આ સંક્રમણ વધશે. આજે સવારે 10.30 વાગ્યે ડૉ. રવિએ આપેલી માહિતી મુજબ રાજ્યમાં 16 નવા કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે. તેમાં એકલા અમદાવાદના 11 કેસો છે. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક રીતે હવે ટ્રાન્સમિશન વધી રહ્યું છે. મુસ્લિમ વિસ્તારોમાં આ ચેપ વધારે છે.
ડૉ.જયંતી રવિએ એવી પણ અપીલ કરી હતી કે, રાજ્યભરમાં સૌ કોઈ લોકડાઉનનો અમલ કરે, જે લોકોને વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તે લોકો ત્વરિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ જાય. કારણ કે, કોરોના વાયરસ લાગ્યા પછી જો પાંચ કે સાત દિવસ થઈ જાય અને તેમાં પણ સારવાર લેવામાં ન આવે તો જોખમ વધી જશે. આજે નવા નોંધાયેલા 16 કેસોમાં એકપણ મહિલા નથી. એટલું જ નહીં તેમાં પણ નિઝામુદ્દીન મરકઝની લિન્ક જોવા મળી છે. ડૉ.જયંતી રવિએ કહ્યું હતું કે, આજના અમદાવાદના કેસોમાં સીધી કે આડકતરી રીતે નિઝામુદ્દીનની લિન્ક સંકળાયેલી જ છે. અમદાવદમાં 11, પાટણમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 1 અને વડોદરામાં 2 કેસ નોંધાયેલા છે. નવા 16 કેસો પૈકી 7 કેસોમાં સ્થાનિક ટ્રાન્સમિશન જવાબદાર છે. જ્યારે 6 દર્દીએ રાજસ્થાનમાં અને 3 દર્દીઓએ દિલ્હીમાં પ્રવાસ કર્યો હતો.
આ સાથે કોરોનાની શરૂઆત થયા બાદ અમદાવાદમાં કુલ 64, સુરતમાં 17, રાજકોટમાં 10, વડોદરામાં 12, ગાંધીનગરમાં 13, ભાવનગરમાં 13, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરંબદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 2, છોટા ઉદેપુરમાં 1, જામનગરમાં 1, મોરબીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
આજે 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 110 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં 21 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. જ્યારે કુલ 11 દર્દીનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું છે. રાજ્યમાં 2714 લોકોનાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 144 દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ અને 2531 ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. અત્યારે 39 ટેસ્ટનું રીઝલ્ટ પેન્ડિંગ છે. કોરોનાની સારવાર દરમિયાન 14,054 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 12,885 લોકોને હોમ ક્વોરન્ટાઇન અને 900 લોકોને સરકારી હોસ્પિટલમાં અને 269 લોકોને ખાનગી સુવિધામાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના હેલ્પલાઈન નંબર 104 પર કોરોના સાથે સંકળાયેલી તકલીફોની માહિતી આપતાં 33,682 ફોન આવ્યા હતા. તે પૈકી 580ને સારવાર આપવામાં આવી છે.