ભાડાકરારના આધારે ડોક્યુમેન્ટ ઊભા કરી પેઢીઓ રજિસ્ટર કરાવ્યા પછી જીએસટી ચોરી કૌભાંડ થતા ડિપાર્ટમેન્ટની નોટિસો પરત આવી રહી છે
સૂરત: દેશભરમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા સરકાર સ્વાસ્થય સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડો રૂપિયા ખર્ચ રહી છે ત્યારે કેટલાક વિલફુલ ડિફોલ્ટરો એટલે કે જે લોકો ટેક્સ ચુકવી શકે છે પરંતુ ટેક્સ ચુકવવામાં અખાડા કરી રહ્યા છે અને ફરાર થઇ ગયા છે. તેમની પાસે વસૂલી કરવા જીએસટી ડિપાર્ટમેન્ટ મનપા અને રજીસ્ટ્રી ડિપાર્ટમેન્ટની મદદ લેશે. જીએસટી વિભાગ ટૂંકમાંજ મનપા અને જમીન-મકાન દસ્તાવેજ નોંધણી ડિપાર્ટમેન્ટને પત્ર લખી ફરાર કરદાતાઓના નામે કોઇ સંપત્તિ હોય તો તેની માહિતી મેળવશે, જેના આધારે તે સંપત્તિની હરાજી કરી ટેક્સ વસૂલવામાં આવશે.
જીએસટી વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ભાડાકરારના આધારે ડોકયુમેન્ટ ઉભા કરી પેઢીઓ રજિસ્ટર કરાવ્યા પછી જીએસટી ચોરી કૌભાંડ થતા ડિપાર્ટમેન્ટની નોટિસો પરત આવી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ટેક્સ રિકવરીની પ્રક્રિયા તિવ્ર કરવા માટે તમામ કમિશરનેટને સૂચના આપવામાં આવી છે, સુરતમાં પણ સર્વિસ ટેક્સ સમયના અને હાલ દોઢ વર્ષ પહેલાના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટના કેટલાક કિસ્સાઓમાં થી વધુ કરદાતાઓ પાસે જીએસટી ડિપાર્ટમેન્ટને 3000 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ રિકવરી બાકી છે. આ તમામ કરદાતાઓને શોધવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા વારંવાર નોટિસો મોકલવામાં આવી છે પરંતુ તેનો કોઇ જવાબ મળ્યો નથી.
તે ઉપરાંત તેમના સીએને પણ તેમના વિશે કોઇ ખબર નથી. આ લોકો તેમના ચોપડે બતાવેલા સરનામા પર ઉપલબ્ધ નથી. ડિપાર્ટમેન્ટની તમામ કોશિશ પછી તેઓની કોઇ માહિતી નહીં મળતા વિભાગે મનપા અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં કેટલાક ડિફોલ્ટર કરદાતાઓની નામની યાદી મોકલવાનો નિર્ણય લીધો છે. જેના આધારે કોઇ માહિતી મળે તો સંપત્તિને એટેચ કરી ટેક્સની વસૂલાત કરવામાં આવશે.
સર્વિસ ટેક્સના મોટા ભાગના કેસોમાં પેઢીઓ બંધ પડેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું
જીએસટી વિભાગ હાલ જે કેસોમાં રિકવરી માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેમાં કેટલાક કેસો સર્વિસ ટેક્સ સમયના છે. ડિપાર્ટમેન્ટના અધિકારીનું કહેવુ છે કે તેઓ રિકવરી માટે જાય છે ત્યાં પેઢી મળતી નથી અને સંચાલક ફરાર હોય છે. જોકે ખરેખર તો સંચાલકે બીજા નામથી પેઢી શરૂ કરી દેતા હોય છે. આ રીતે પણ કેટલાક લોકોએ કરોડ઼ો રૂપિયાની ટેક્સચોરી કરી હોવાનું બહાર આવતા ડિપાર્ટમેન્ટ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.