વલસાડ-વાપી: (Valsad Vapi) હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. કપરાડા તાલુકામાં રવિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ (Rain) વરસતા નદી, નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. નીચા કોઝવે (Cozway) પાણીમાં ગરક થતા વિવિધ ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાર નદી (River), નાર નદી, કોલક નદી, દમણ ગંગા નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી.
- વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં, વાપીમાં 2 ઈંચ વરસાદથી ગ્રામજનો મુશ્કેલીમાં
- ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાર, નાર, કોલક, દમણ ગંગા નદી બંને કાંઠે
- જિલ્લાનો 24 કલાકનો વરસાદ
- કપરાડા 129 મીમી
- વાપી 46 મીમી
- ઉમરગામ 19 મીમી
- ધરમપુર 13 મીમી
વાંસદા તાલુકામાં 2 અને ગણદેવી તાલુકામાં 1 ઇંચ વરસાદ
નવસારી : નવસારી જિલ્લામાં આજે વરસાદી ઝાપટાઓ યથાવત રહ્યા હતા. વાંસદા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં કાળા ડિબાંગ વાદળો રહેતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. નવસારી જિલ્લામાં વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતાં જેને કારણે તાપમાન ગગડ્યું હતું.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. તો બીજી તરફ તાપમાનમાં પણ ઘટાડો-વધારો થઈ રહ્યો છે. આજે પણ નવસારી જિલ્લામાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જેથી ગત શનિવારે સાંજે 6 વાગ્યેથી રવિવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, વાંસદા તાલુકામાં 44 મી.મી. (1.8 ઇંચ), ગણદેવી તાલુકામાં 23 મી.મી., ખેરગામ તાલુકામાં 15 મી.મી., ચીખલી અને જલાલપોર તાલુકામાં 2 મી.મી. તેમજ નવસારી તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો.
રવિવારે સવારથી જ નવસારીમાં કાળા ડિબાંગ વાદળો રહ્યા હતા. જેના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રવિવારે નવસારીમાં મહત્તમ તાપમાન વધુ 2 ડિગ્રી ગગડીને 29.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 25 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું. જે બપોરબાદ વધીને 91 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 6.4 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.
જાણો બે દિવસમાં ક્યાં કેટલા વરસાદની આગાહી
આજે રવિવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેને પગલે બપોર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આવતીકાલે સોમવારે 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.