નવસારી: (Navsari) નવસારી દશેરા ટેકરીમાં દૂષિત પાણી (Contaminated Water) પીવાથી 10ને ઝાડા-ઉલ્ટી થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઇ થવાને કારણે આ વિસ્તારમાં દુષિત પાણી આવવાને કારણે લોકોને આ સમસ્યા આવી રહી છે. 10 લોકોને ઝાડા-ઉલ્ટી થતાં અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે.
નવસારી શહેરમાં ક્યારેક વરસાદ પડી રહ્યો છે. તો ક્યારેક વરસાદની (Rain) ગેરહાજરી વર્તાઇ રહી છે. જેના પગલે બિમારીનો માહોલ સર્જાયો છે. વરસાડ પડતા રસ્તાઓ અને અન્ય જગ્યાઓ ઉપર ભરાયેલા વરસાદી પાણીને કારણે પાણીજન્ય રોગો માથુ ઉંચકી રહ્યા છે. જેથી રોગચાળો ફાટવાની દહેશત વધુ વર્તાઇ રહી છે. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ડ્રેનેજનું (Drainage) પાણી પીવાના પાણી સાથે મિક્સ થઇ ગયું હતું. જેથી દશેરા ટેકરી વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું હતું. જે પાણી તે વિસ્તારના રહીશો પી રહ્યા હતા. જેના પગલે આજે 10 લોકોને ઝાડા-ઉલ્ટી થયા હતા. જેથી તેઓને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
આરોગ્ય વિભાગ દોડતો થયો, પીવાના પાણીના સેમ્પલ લીધા
દશેરા ટેકરીમાં ઝાડા-ઉલ્ટીના કેસો દેખાતા જિલ્લા આરોગ્ય વિભાગ (District Health Department) દોડતો થઈ ગયો છે અને પીવાના પાણીના સેમ્પલો લઇ ચકાસણીની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા અગાઉ પણ દશેરા ટેકરી વિસ્તામાં દૂષિત પાણીને પગલે કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટી થયા હતા. પરંતુ ફરી દશેરા ટેકરીમાં દૂષિત પાણીને લીધે ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ પાલિકાની (Corporation) ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠી રહયા છે.
નવસારી જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ ન નોંધાયો
નવસારી : નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં કુલ 7174 કોરોનાના કેસો યથાવત છે. જોકે બીજી તરફ આજે જિલ્લામાં 1 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6972 દર્દીઓ સાજા થઇ ગયા છે. નવસારી જિલ્લામાં 191 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. શનિવારે જિલ્લામાં 1200 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 311994 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 303620 સેમ્પલ નેગેટિવ રહ્યા હતા. જ્યારે 7174 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 11 એક્ટિવ કેસો છે.