કેટલાંક અભિનેતાઓ એવા હોય છે જે પોતાની પ્રાદેશિક ઓળખ જાળવીને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરેશ રાવલ, નાના પાટેકર જ નહીં ધર્મેન્દ્ર, સની દેઓલે પણ એવી ઓળખ રહે તેવા પાત્રો ભજવ્યા છે. રિતેશ દેશમુખ કોઇ ટોપસ્ટાર નથી પણ હિન્દીમાંથી જેવો મરાઠી ફિલ્મમાં જાય કે તરત ટોપસ્ટાર બની જાય છે. હિન્દી ફિલ્મોમાં તેને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કોમેડી કરવા મળી પણ તે પોતાની રીતે સ્ટ્રગલ કરતો રહે છે એટલે ‘તેરે નાલ લવ હો ગયા’ માં હીરો તરીકે ય સફળતા મેળવી અને મોકો મળ્યો તો તેણે વિલન બની જૂદો રસ્તો કર્યો. નિર્માતા તરીકે ‘બાલક પાલક’ અને ‘યેલો’ પણ બનાવી.
મરાઠીમાં ‘લય ભારી’ ફિલ્મ બનાવી મોટી સફળતા મેળવી. રીતેશ એક સામાન્ય મધ્યમવર્ગીય લુક ધરાવે છે પણ આ લુકમાં કેટલી શકયતા રહેલી છે તેની તેને જાણ છે. બીજી ખાસ વાત કે વિલાસરાવ દેશમુખ જેવા વરિષ્ઠ રાજકારણીના પુત્ર હોવાનો લાભ તેણે કયારેય લીધો નથી પણ હા, મરાઠીપણાને તે જાળવી રાખવા માંગે છે એટલે અત્યારે ‘શિવાજી છત્રપતિ’ નામની ફિલ્મની ભરપૂર તૈયારી કરી બેઠો છે. એ ફિલ્મનો દિગ્દર્શક મરાઠીમાં ‘સૈરાટ’ પછી અત્યારે અમિતાભ સાથે ‘ઝૂંડ’ બનાવી ચુકેલો નાગરાજ મંજુલે છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી છત્રપતિ આજેય એક દેવતા તરીકે પૂજાય છે ને તેમની પર અનેક ફિલ્મો બની ચૂકી છે. હવે હિન્દીમાં પણ બનશે.
આજકાલ ઇતિહાસના પાત્રોને ફરીથી જીવંત કરવાનો નવો ટ્રેન્ડ છે તો રિતેશ દેશમુખ પૂરા મરાઠીપણા સાથે તેમાં પેશ આવશે. હિન્દી ફિલ્મોમાં વારંવાર કોમેડી કરનાર રિતેશ માટે આ સાહસ છે પણ તે તેની અભિનય પ્રતિભાથી આ સાહસ કરી દેખાડશે. તે હંમેશા મોટા લક્ષયાંક સાથે યોજના બનાવે છે અને તે માટે સમય લેતો હોય છે. બાકી અત્યારે તે કાંઇ બહુ બિઝી નથી. ‘હાઉસફૂલ-૫’ સિવાય તેની પાસે કામ નથી પણ એ કારણે જ તે મોટા પ્રોજેકટ સાથે તૈયાર થયો છે. તે ફિલ્મો બાબતે ફોકસ્ડ છે એટલે ટી.વી. કે વેબસિરીઝમાં બહુ માથુ નાંખતો નથી.
રિતેશ એકદમ મેચ્યૅાર વ્યકિતત્વ ધરાવે છે. જેનિલિયા ડિસોઝા સાથે પ્રેમ થયો ને પરણી ગયો. બીજી કોઇ બબાલ નહીં. તે એમ કહી શકે કે, ‘કયા કુલ હે હમ’. પ્રિયદર્શનથી માંડી ઇન્દ્રકુમાર, સાજીદ નડિયાદવાલાનો તે ફેવરિટ એકટર છે કારણકે કોમેડીમાં ખે ખૂબ સહજ રહી શકે છે. તે નહીં જેનિલિયા પણ કોમેડીમાં એવી જ ફ્રેશ છે. જોકે રિતેશનો એવો આગ્રહ નથી કે જેનિલિયા ફિલ્મો માટે કામ કરતી રહે. તેણે જેનિલિયાને ફિલ્મોની પસંદગી બાબતે મુકત રાખી છે. રિતેશ – જેનિલિયા એક પર્ફેકટ કપલ ગણવામાં આવે છે. રિતેશે આમ પણ માત્ર ફિલ્મોની કમાણી પર ટકવાનું નથી. તેના પિતા ઘણી સંપત્તિ મુકી ગયા છે પણ રિતેશનો અભિગમ સ્વમાનભર્યો છે. એટલે જ તો ફિલ્મોમાં શું જૂદું થઇ શકે તે વિચારે છે ને ‘શિવાજી છત્રપતિ’ બનવા તત્પરતા દાખવે છે.