ઉર્વશીનો ઉત્સાહ ફિલ્મોમાં નહીં, ગીતોમાં ચાલ્યો

ઉવર્શી રૌતેલા ફિલ્મની અભિનેત્રી છે કે વિડીયો શોઝની તે તારવવું મુશ્કેલ છે. તે અત્યાર સુધીમાં આઠ વિડીયો શોટ કરી ચુકી છે. તેની સંખ્યામાં ફિલ્મો તો ઘણી ઓછી છે. જે ફિલ્મોમાં કામ કર્યું તે પણ ગીતમાં ડાન્સ કરવા માટે જ વધુ હતું કારણકે વિડીયો શોટમાં તે કોઇક ગીતમાં જ દેખાતી હતી. ‘સનમ રે’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘પાગલ પંતી’ જેવી ફિલ્મોમાં તે જરૂર હતી પણ હજુ તેને એવી ફિલ્મો નથી મળતી કે જે તેની પ્રતિભાને કેન્દ્રમાં રાખતી હોય. કદાચ આજ કારણે તે ‘ઇન્સ્પેકટર અવિનાશ’ વેબસિરીઝમાં આવી રહી છે.

તેની પાસે ફિલ્મો નથી એવું ય નથી. ‘બ્લેક રોઝ’ નામની તેલુગુ ફિલ્મ ઉપરાંત ‘મિસ મેચ ઇન્ડિયા’માં તે આવી રહી છે પણ એ ફિલ્મ અનુપમ ખેર, જેકી શ્રોફ, જેકલીન ફર્નાન્ડિસ જેવા કળાકારો ધરાવે છે એટલે રોતેલા બહુ હસી શકે તેમ નથી. આ ઉપરાંત વિવેક અને નાસેર સાથેની તેની એક ફિલ્મ જાહેર થઇ છે.

ઉર્વશી કદાચ મ્યુઝિક વિડીયોની સ્ટાર તરીકે જ વધારે સફળ છે. યો યો હની સીંઘ, મીકા સીંઘ, ટોની કકકર, મોહસીન ખાન વગેરે પછી મોહમ્મદ રમાદનના મ્યુઝિક વિડીયોમાં તે હમણાં આવી છે. ગયા વર્ષે તેની ‘વર્જિન ભાનુપ્રિયા’ ફિલ્મ રજૂ થયેલી ત્યારે થોડી ઉત્તેજના વ્યાપેલી. ગયા વર્ષે દુબઇના આરબ ફેશન વીકમાં ત્યાંના કેલેન્ડરમાં દેખાયેલી પ્રથમ ભારતીય સ્ત્રી તરીકે જો તમે ગણો તો કહી શકો કે તે કામ મેળવી લે છે. આ રીતે તે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીની ચમક પણ બનતી રહે છે કારણકે સૌંદર્ય સ્પર્ધામાં મિસ દીવા ૨૦૧૫ પણ રહી ચુકી છે. હરિદ્વારમાં જન્મેલી ઉવર્શી ફિલ્મોમાં કદાચ વધારે સફળ નથી જવાની પણ તે બહાને બીજા કામો જરૂર મેળવતી રહેશે. તેને આનો વાંધો નથી કારણકે સવાલ તો ધંધાનો છે.

Related Posts