ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધિવત રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે વલસાડમાં (Valsad) ચોમાસાનું આગમન થઇ ગયું છે. વલસાડમાં ગઇકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જામ્યો હતો. કપરાડા વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી. આઈએમડી મુંબઈના ઉપ મહાનિદેશક ડો. જયંત સરકારે બુધવારે ચોમાસું મુંબઈ પહોંચી ગયું હોવાની માહિતી આપી હતી. ચોમાસું 10 તારીખે મુંબઈ પહોંચવાનું હતું પરંતુ આ વખતે ચોમાસાનું આગમન એક દિવસ વહેલું થયું છે. વરસાદે મુંબઈને પાણી-પાણી કરી નાખ્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ હવે ચોમાસાનું આગમન થયું છે. 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી હવામાન વિભાગે જાણકારી આપી છે.
રાજ્યમાં ચોમાસાનો 6 દિવસ પૂર્વે પ્રવેશ થઈ ગયો છે. આજે સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જોકે, આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વલસાડ અને નવસારી સહિત દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. 3 દિવસ અન્ય વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂન સુધીમાં સમગ્ર રાજયમાં ચોમાસુ સક્રિય થઈ જશે.
દક્ષિણ ગુજરાતના વલસાડ સુધી ચોમાસું આવી ચૂક્યું છે ત્યારે બુધવારે વલસાડના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દક્ષિણ ગુજરાતનાં અનેક તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે.
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન જલ્દી થયું છે. મુંબઈમાં પણ સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે સાથેજ આગામી 48 કલાક સુધી ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવતાં ગઈકાલે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. આજે પણ સેલવાસ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી માહોલ જામતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.