Comments

તમને ખરેખર દેશની ચિંતા થાય છે ખરી?

કોરોનાની બીજી લહેરે દેશના મધ્યમ વર્ગને અંદરથી હચમચાવી નાખ્યો છે. આવનારા સમયમાં શિક્ષણ – આરોગ્ય – વ્યવસાય – ધંધા – નોકરી મનોરંજન કેવી રીતે ચલાવવા એ મુંઝવતા પ્રશ્નો છે. થોડો પણ વિચારશીલ, લાગણીશીલ, માણસ વૈચારિક ખલેલ ન અનુભવે તેવું શકય નથી. સાવ સરળતાથી ઊંઘ આવી જાય એ આત્મનિરીક્ષણનો વિષય છે. આ સમય છે, જેમાં દેશના ઉચ્ચ મધ્યમ વર્ગના, થોડા આગળ પડતા અને ખાસ તો બીજાને દોરવણી આપતાં લોકોએ થોડું આત્મચિંતન કરવાની જરૂર છે. જેમને સમાજમાં પાંચ જણા પૂછે છે, જેમની વાત લોકો સાંભળે છે તેવા સામાજિક, રાજકીય આગેવાનો, ધાર્મિક સંતો, શિક્ષકો, પ્રોફેસરો, લેખકો, વકતાઓ આ સૌએ પોતાની જાત સાથે થોડી વાત કરવાનો સમય છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને એક વખત કહેલું કે દરેક માણસ વધતા ઓછા અંશે રાજકારણી છે. આ વાત વિચારવા જેવી છે. હકીકતની નજીક છે. માત્ર પ્રાણીઓ પોલીટીકસ નથી કરતા. માણસ તો વધતા ઓછા અંશે રાજનીતિ વિષે વિચારે જ છે. સક્રિય રાજનીતિમાં ન હોવું એ અલગ બાબત છે, પણ આપણે રાજકારણ સાથે લેવા દેવા જ નહીં એમ ખંખેરી નાખવું એ શહેરી ઉચ્ચવર્ગીય પલાયનવાદ જ છે અને માટે સૌએ કેટલુંક વિચારવું જોઇએ જાત સાથે, એકાંતમાં.

શું કોરોનાની બીજી લહેરમાં અચાનક વધી ગયેલા કેસ, ઓકિસજનની અછત, એમ્બ્યુલન્સની લાઇનો અને મૃત્યુઆંકના સમાચારોથી તમે વ્યથિત થયા હતા. સોશ્યલ મીડિયાના સરકાર હુમલા કાર્ટુન કવિતા કટાક્ષથી તમે દુ:ખી થયા હતા? તમને એમ થયું હતું કે અરેરે આ સરકાર તો નિષ્ફળ ગઇ…. હવે! પ્રજામાં આટલો આક્રોશ હશે તો ફરી કેમનું જીતશે! શું તમને અંદર ને અંદર એક અજબ મૂંઝવણ થઇ હતી! તો તમે તમારી જાતને પૂછો કે દુ:ખ શેનું હતું! પીડા શેની હતી! પ્રજાની તકલીફની કે પોતાના પ્યારા રાજકીય પક્ષની હાર થશે એ બીકની! તમે ડિસ્ટર્બ શેનાથી થયા હતા. અવ્યવસ્થા… અને મૃત્યુથી કે ન સરકારનો વિરોધ થઇ શકે અને ન આ સ્થિતિમાં તરફેણ થાય એ દ્વિધાથી…. જો આવી દ્વિધા તમે અનુભવી છે તો તમારી જાતને પ્રશ્ન કરજો કે આ સારું હતું! રાષ્ટ્રિયતા અને નાગરિક શાસ્ત્રમાં આવું આવે!

જો આ બીજી લહેરની વ્યાપક અરાજકતા… દર્દીઓની બેહાલી, ઇન્જેકશનના કાળા બજાર અને સોશ્યલ મીડિયામાં સરકાર પર થતા હુમલાથી તમે અંદરખાને રાજી થયા હો અને આ અરાજકતા જલ્દી કાબૂમાં ન આવે એવું તમે એક ક્ષણ માટે વિચાર્યું હોય તો પણ તમે તમારી જાતને પ્રશ્ન કરજો કે શું આ યોગ્ય હતું! આપણે સરકારને રાજકીય પક્ષને એટલી બધી નફરત કરીએ છીએ કે આપણા પ્યારા ભાઇઓના પ્રાણ ગુમાવવા પર પણ અંદરખાને રાજી થઇએ છીએ! આપણને ન ગમતો પક્ષ હારવો જોઇએ તે આપણે તેને મહેનત કરીને હરાવવો જોઇએ? આપત્તિમાં અવસર શોધનારા પેલા ઇન્જેકશન વેચનારા અને ‘આવું થોડું વધુ ચાલે તો આ સરકાર જાય એવું માનનારા આપણી વચ્ચે ફેર શું રહ્યો!

આ આફતનો સમય છે. રાષ્ટ્ર ‘પરસ્પરાવલંબી ભવ’ ની થિયરીથી ચાલે છે. સરકારની વહિવટીય નિષ્ફળતાથી પીડિત અને સ્વજન ગુમાવનારા બે જણાએ સરકારને સોશ્યલ મીડિયા પર બે કડવાં વેણ કહ્યાં તો ભલે કહ્યાં… હૈયું હચમચાવી નાખે તેવી તસવીરો જો સત્ય બતાવે તો તે છપાવી જ જોઇએ. લોકો મૃત્યુ પામ્યાં છે તો આંકડા છપાવા જ જોઇએ, હોસ્પિટલના ઓટલે જ દર્દીઓએ દમ તોડયો છે તો એનાં વર્ણનો લખાવાં જ જોઇએ… એમાં પોઝીટીવીટી અને નેગેટીવીટીના ઉપદેશો ન આપવા બેસાય! આ વેદનાકાળમાં કોઇને કવિતા ફૂટી તો ફૂટી… પછી તેની સામે કવિતાઓ અને લેખો અને પછી તરફેણમાં કવિતા – લેખો… અને આ બધા બુધ્ધિના બથ્થમબથ્થામાં તત્કાળ પરિસ્થિતિ માટે નકકર કામની કોઇ વાત જ નહિં…

કોરોનાકાળની આ બીજી લહેરે આપણી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે શિક્ષણ કેવી રીતે ચલાવીશું? જો ઓન-લાઇન વેપાર વધે અને ઘેર બેઠા જ લોકોને વસ્તુ મળે તો નાના વેપાર ધંધા રોજગાર કેવી રીતે ચાલશે! હોસ્પિટલો ખાનગી હોય કે સરકારી ઓછી છે. એ હકીકત છે. દર લાખની વસ્તીએ ડોકટરોનું પ્રમાણ ઓછું છે. સરકાર ગમે તે પક્ષની હોય પણ જો આખો દેશ રાહત માંગશે તો વાસ્તવમાં કેટલી રાહત આવી શકશે! અને સૌથી મોટો પ્રશ્ન બજાર અને રાજનેતાઓની મીલીભગતવાળી આ અર્થ વ્યવસ્થા ન સમાજવાદ છે ન મૂડીવાદ, આ માત્ર લૂંટતંત્ર છે. આ બીજી લહેરમાં આપણે હેરાન થયા છીએ. એના પાયામાં આ મીલીભગતની લૂંટ વ્યવસ્થા છે. આપણે આ વ્યવસ્થા કયાં સુધી આગળ ચલાવવી છે. જો તમે આ સમયમાં એક ક્ષણ માટે પણ ભાજપ – કોંગ્રેસને બાજુમાં રાખીને ફરી આવું દેશને સહન ન કરવું પડે તે માટે શું કરી શકાય તે વિચાર્યું હોય તો હજુ આશા જીવે છે! કારણ એક સાચો નાગરિક જીવે છે!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top