Gujarat

CBSE ધોરણ 12ની પરીક્ષા શું જુલાઈમાં થશે? 1 જૂને મળી જશે જવાબ, ગુજરાત બોર્ડની સ્થિતિ પણ સ્પષ્ટ થશે

નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ (CBSE) ની પરીક્ષા (Exam) જુલાઈમાં લેવાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ્દ કરવાની માંગ વચ્ચે આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રાલયની બેઠક મળી હતી. જેમાં સીબીએસઇ, ICSE 12 બોર્ડની પરીક્ષા સાથે નીટ અને જેઇઇ મેન્સ સહિતની અન્ય પરીક્ષાઓ બાબતે પણ નિર્ણય લેવાઇ શકે છે. જેની જાહેરાત 1 જૂન ના રોજ થાય તેવી શક્યતા છે. સીબીએસઇની આ ફોર્મ્યુલા પર જ ગુજરાત બોર્ડ (Gujarat Board) પણ નિર્ણય લઈ શકે છે. કારણ કે ધોરણ 10ની પરીક્ષામાં પણ ગુજરાત બોર્ડે સીબીએસઇને જ ફોલો કર્યું હતું. ત્યારે હવે એક વાત તો નક્કી છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપવા માટે તૈયાર રહેવું પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજવામાં આવી શકે છે. રવિવારે આ મુદ્દે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તમામ રાજ્યો પાસેથી 25 મે સુધીમાં પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ 1 જૂનના રોજ આ અંગેની ઘોષણા કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રી-પ્રોફેસરો ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા પ્રકાશ જાવડેકરે પણ ભાગ લીધો હતો.

ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. જો કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો મુદ્દો હજી પણ લટકી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ પ્રવર્તી રહી છે તેવામાં CBSE બોર્ડ તરફથી આ મોટા સમાચાર આવ્યા છે જેના આધારે ગુજરાત બોર્ડની પણ પરીક્ષા લેવાશે તેવી શક્યતા છે.

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે CBSE ધોરણ-12માં મુખ્ય વિષયો એટલે કે મેજર સબ્જેક્ટ્સની પરીક્ષા લેવા જ વિચારણા કરી રહી છે. અન્ય સબ્જેક્ટ્સમાં મુખ્ય વિષયો પર મળેલા નંબર્સના આધારે માર્કિંગની ફોર્મ્યુલા પણ બની શકે છે. CBSE બોર્ડમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 176 વિષયોનો અભ્યાસ કરવાનો વિકલ્પ હોય છે. જેમાં ભાષા અથવા ગ્રુપ L, ઇલેક્ટિવ અથવા ગ્રુપ A અને અન્ય સામેલ હોય છે. તેમાંથી ગ્રુપ A ના વિષયો મહત્વપુર્ણ માનવામાં આવે છે. જેના આધારે આગળ યુનિવર્સિટીઓમાં એડમિશન આપવામાં આવે છે. 

Most Popular

To Top