National

નક્સલવાદના ભયમાંથી મુક્ત બસ્તરમાં PM મોદીની દિવાળી, જવાનોના બલિદાનને કર્યા સલામ

દિવાળીના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તારમાં સુરક્ષાકર્મીઓ સાથે તહેવારની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે જવાનોના સાહસ, બલિદાન અને અડગ સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમના કારણે જ દેશમાં શાંતિ અને વિકાસની નવી રોનક જોવા મળી રહી છે. એક સમયે નક્સલવાદના ભયથી પ્રભાવિત રહેલા બસ્તારમાં હવે વિકાસની નવી લહેર શરૂ થઈ છે. વડાપ્રધાને આ પરિવર્તનનો શ્રેય સુરક્ષાકર્મીઓની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાને આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દિવાળીના પાવન અવસરે તેઓ બસ્તર જઈ રહ્યા છે. જ્યાં એક સમયે નક્સલવાદનો પ્રકોપ અને ભય હતો, ત્યાં આજે વિકાસની રોનક જોવા મળી રહી છે. સુરક્ષાકર્મીઓની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવા વિના આ પરિવર્તન શક્ય બન્યું ન હોત. દેશની સુરક્ષા માટે શહીદ થયેલા અને સતત ફરજ બજાવતા જવાનોના સન્માનમાં તેઓ તેમની સાથે દિવાળી મનાવવા બસ્તર પહોંચ્યા હતા.

જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ તમામ સુરક્ષાકર્મીઓને પોતાના પરિવારનો હિસ્સો માને છે. આ વખતે બસ્તરના જંગલોમાં તેમની સાથે દિવાળી મનાવવાનો અવસર મળ્યો છે. એક સમયે નક્સલવાદના જોખમથી ઘેરાયેલા આ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓના બલિદાન અને સમર્પણને કારણે નક્સલવાદનો અંત આવ્યો છે અને વિકાસની નવી લહેર શરૂ થઈ છે. તેમણે જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને દેશવાસીઓ વતી તેમની સેવા તથા બલિદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ વર્ષ 2026ની દિવાળીને દેશ માટે ખાસ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે નક્સલવાદ અને માઓવાદી હિંસા સામે દેશની દાયકાઓ જૂની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. તેમના જણાવ્યા મુજબ, આ પહેલી દિવાળી છે જ્યારે દેશનો દરેક જિલ્લો નક્સલવાદથી મુક્ત થયો છે અને કરોડો દેશવાસીઓ નક્સલવાદના ભયમાંથી બહાર આવ્યા છે. તેમણે આ સફળતાનો મોટો શ્રેય દેશના લાખો બહાદુર જવાનો અને સુરક્ષાકર્મીઓને આપ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ જ કારણથી તેઓ દિવાળીના પર્વે સુરક્ષાકર્મીઓ વચ્ચે પહોંચ્યા છે. એક સમયે નક્સલવાદથી પ્રભાવિત રહેલા બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાનો અને સતત પ્રયાસો બાદ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. હવે આ વિસ્તારમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. વડાપ્રધાને આ પરિવર્તનનો ઉલ્લેખ કરતાં જવાનોના મનોબળ અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાકર્મીઓએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશની સુરક્ષા માટે પોતાની જવાબદારી નિભાવી છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે દિવાળીનો તહેવાર સુરક્ષાદળોના જવાનો સાથે મનાવતા આવ્યા છે. વર્ષ 2014માં તેમણે સિયાચીન બેઝ કેમ્પ ખાતે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરીને આ પરંપરાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2015માં પંજાબના અમૃતસર નજીક, 2016માં હિમાચલ પ્રદેશના ચીન સરહદ નજીક આવેલા સુમદોહમાં અને 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. વર્ષ 2018માં તેઓ ઉત્તરાખંડના હર્ષિલ પહોંચ્યા હતા, જ્યારે 2019માં નિયંત્રણ રેખા નજીક રાજૌરીમાં જવાનો વચ્ચે દિવાળી ઉજવી હતી.

વર્ષ 2020માં રાજસ્થાનના જેસલમેરના લોંગેવાલા વિસ્તારમાં, 2021માં જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં અને 2022માં કારગિલમાં તેમણે જવાનો સાથે દિવાળી મનાવી હતી. વર્ષ 2023માં હિમાચલ પ્રદેશના લેપચા, 2024માં ગુજરાતના કચ્છના સર ક્રીક અને 2025માં ગોવા-કારવારના દરિયાકાંઠે સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત પર જવાનો સાથે તહેવારની ઉજવણી કરી હતી. આ વર્ષે તેમણે છત્તીસગઢના બસ્તરની પસંદગી કરી હતી. દિવાળીના આ કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન જવાનો સાથે સમય વિતાવે છે, મીઠાઈ વહેંચે છે અને દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરે છે. જ્યારે દેશના મોટાભાગના લોકો પરિવાર સાથે તહેવાર ઉજવતા હોય છે, ત્યારે સરહદો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન તેમની વચ્ચે પહોંચે છે. બસ્તરમાં યોજાયેલી આ ઉજવણી દરમિયાન પણ જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Most Popular

To Top