Vadodara

વાઘોડિયાની નર્મદા કેનાલ પાસેથી ગુમ યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા ?

ગંભીરપુરા ગામના યુવક ગઈકાલ બપોરથી હતા રહસ્યમય સંજોગોમાં ગુમ

ઘટનાસ્થળેથી બિનવારસી હાલતમાં બાઈક અને મૃતદેહ મળતા ગ્રામજનોમાં ભારે રોષ

પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૪

વડોદરા :- વાઘોડિયા તાલુકાના વલવા ગામ નજીક આવેલી નર્મદા મેન કેનાલ બ્રિજ પાસેથી ઝાડી-ઝાંખરામાંથી ગંભીરપુરા ગામના એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક ગત બપોરથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.

વાઘોડિયાના ગંભીરપુરા ગામના રહેવાસી સંજયસિંહ ઉમેદસિંહ પઢિયાર ગત બપોરથી પોતાના ઘરેથી રહસ્યમય રીતે ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની ભારે શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન, આજે વલવા ગામ નજીક નર્મદા મેન કેનાલના બ્રિજ પાસે આવેલી ઝાડીઓમાંથી સંજયસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી મૃતકનું બાઈક પણ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. મૃતક સંજયસિંહ પાદરા નજીક આવેલી એક ખાનગી કંપની (બીઆરડી ફાર્મા) માં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેઓ છેલ્લા બે દિવસથી નોકરી પર ગયા ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ ઘટનાને લઈને ગ્રામજનો અને પરિવારજનોમાં ભારે શોક સાથે આશ્ચર્ય ફેલાયું છે. સ્થાનિક લોકો અને પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ સામાન્ય આપઘાત નથી પરંતુ યુવકની હત્યા કરી તેના મૃતદેહને અહીં ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જ્યાં બાઈક અને મૃતદેહ મળ્યા છે ત્યાં અગાઉ રાત્રિના સમયે તપાસ કરતાં કોઈ વાહન કે હિલચાલ નહોતી, પરંતુ સવારના સુમારે અચાનક બાઈક અને મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે.

ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના લોકોના નિવેદનો નોંધીને મૃતદેહને વડોદરા ખાતે આવેલી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની અંતિમ તપાસ બાદ જ યુવકના મોતના સાચા કારણો પરથી પડદો ઉંચકાશે.

Most Popular

To Top