ગાંધીનગર : રાજ્યમાં રક્તપિત્ત (લેપ્રસી) રોગના નિર્મૂલન માટે આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે તા. 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી “લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેઇન” હાથ ધરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ રક્તપિત્તના દર્દીઓને વહેલા તબક્કે શોધી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રક્તપિત્તના કારણે દર્દીઓને શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તેમને સમયસર સારવાર તથા જરૂરી સહાય મળી રહે તે માટે આ વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
અભિયાનમાં સેવાભાવી નાગરિકો અને વિવિધ સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવશે. રાજ્યના 12 પ્રાયોરિટી જિલ્લાઓ અને બે મહાનગરપાલિકા વિસ્તારોના કુલ 98 તાલુકા-વોર્ડમાં 8થી 30 જૂન દરમિયાન વ્યાપક સર્વે હાથ ધરાશે. આ માટે 15,941 ટીમોની રચના કરવામાં આવી છે, જે અંદાજે 2,01,95,455 નાગરિકોનું સ્ક્રીનિંગ કરશે.આ પ્રાયોરિટી જિલ્લાઓમાં વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત વડોદરા અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર પણ આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવશે.રાજ્યના અન્ય 22 જિલ્લાઓમાં 8થી 18 જૂન દરમિયાન આ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર, ખેડા, પાટણ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર અને વાવ-થરાદ વિસ્તારનો સમાવેશ થાય છે.આ વિસ્તારોના 175 તાલુકા અને વોર્ડમાં 6,158 ટીમો દ્વારા અંદાજે 54,54,163 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવ્યા છે.
ઝુંબેશ દરમિયાન જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા કાર્યકરો અને પુરુષ વોલેન્ટિયર્સની વિશેષ ટીમો ઘર-ઘર જઈને દરેક પરિવારના સભ્યોની તપાસ કરશે. ટીમો રક્તપિત્તના સંભવિત લક્ષણોની ઓળખ કરશે તેમજ નાગરિકોને રોગ અંગેની માહિતી આપીને જાગૃતિ ફેલાવશે.
શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર
સર્વે દરમિયાન કોઈપણ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેમને તાત્કાલિક વધુ તપાસ અને સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવશે. આરોગ્ય વિભાગે નાગરિકોને આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, રક્તપિત્તનો રોગ સમયસર ઓળખાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી શકે છે. તેથી આરોગ્ય ટીમો જ્યારે ઘરે મુલાકાતે આવે ત્યારે નાગરિકોએ સાચી માહિતી આપીને સ્ક્રીનિંગ પ્રક્રિયામાં સહભાગી થવું જરૂરી છે.