ફિટનેસ, પર્યાવરણ જાગૃતિ અને ઇંધણ બચતનો સંદેશ આપતો અનોખો કાર્યક્રમ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ‘સાયક્લોથોન’નું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) ખાતે સરદાર બ્રિજ લોઅર પ્રોમેનેડથી યોજાયેલા આ કાર્યક્રમને અમદાવાદના મેયર હિતેશ બારોટે ફ્લેગ ઓફ આપ્યો હતો.
સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 1,000થી વધુ સાઇકલચાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના વિવિધ વર્ગોના લોકોની મોટી ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
આ પ્રસંગે મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને સફળ બનાવવા માટે દરેક નાગરિકે દર રવિવારે ઓછામાં ઓછો અડધો કલાક સાયકલ ચલાવવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે કહ્યું કે નિયમિત સાયકલિંગથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને ઇંધણના વધતા વપરાશ વચ્ચે સાયકલિંગ એક અસરકારક અને પર્યાવરણમૈત્રી વિકલ્પ બની શકે છે. નજીકના અંતરની મુસાફરી માટે સાયકલનો ઉપયોગ અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરવાથી ઇંધણની બચત, પ્રદૂષણમાં ઘટાડો અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી શકે છે.
ઝુમ્બા, એરોબિક્સ અને યોગનો પણ આનંદ
સાયક્લોથોન ઉપરાંત કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે ઝુમ્બા, એરોબિક્સ અને યોગ જેવી વિવિધ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને ફિટનેસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમિત શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ, ડૉક્ટરો, વકીલો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, જિમ્નેશિયમ અને સ્વિમિંગ પૂલના સભ્યો, એનસીસી કેડેટ્સ, પોલીસ જવાનો તેમજ શહેરની વિવિધ સાયક્લિંગ ક્લબોના સભ્યોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયક્લોથોન દ્વારા નાગરિકોને ફિટનેસ અપનાવવા, પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાની અને હરિયાળા તથા સ્વસ્થ અમદાવાદના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.