Gujarat

વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું સમયની માંગ : મોઢવાડિયા

ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવા GPCBની ભૂમિકા નિર્ણાયક, ગાંધીનગરમાં બે દિવસીય પર્યાવરણ કાર્યશિબિરનું સમાપન

ગાંધીનગર

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય પર્યાવરણ કાર્યશિબિરનો સમાપન સમારોહ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

સમાપન સમારોહને સંબોધતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતને પ્રદૂષણમુક્ત બનાવવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. રાજ્યના વિકાસની ગતિ જાળવી રાખવાની સાથે સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવી અને કુદરતી સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.

તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ વિભાગ અને GPCB હંમેશા સુધારાત્મક અભિગમ સાથે કાર્યરત રહ્યા છે. ઉદ્યોગોનો વિકાસ અને પર્યાવરણનું સંરક્ષણ બંને સાથે ચાલી શકે તે માટે ટીમવર્ક અને સંકલન સાથે કામગીરી કરવામાં આવી રહી છે. પર્યાવરણીય નિયમોના પાલન માટે પ્રોત્સાહક વ્યવસ્થા ઊભી કરવામાં પણ GPCBની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કાર્યશિબિરમાં થયેલું મંથન રાજ્યના ફ્યુચર વિઝન પ્લાનિંગ માટે ઉપયોગી સાબિત થશે. આ વિઝન પ્લાનના આધારે અર્બન ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ અને વોટર રિસોર્સિસ સહિતના વિવિધ વિભાગો પોતાના એક્શન પ્લાન તૈયાર કરી શકશે.તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ઉદ્યોગોના ‘મિત્ર અને માર્ગદર્શક’ તરીકે કાર્ય કરવાની અપીલ કરતાં જણાવ્યું કે, ઉદ્યોગો સાથે સતત સંવાદ જાળવી રાખવાથી પર્યાવરણ ક્ષેત્રે વધુ સકારાત્મક પરિણામો મેળવી શકાશે.

નિયમોનું પાલન સ્વૈચ્છિક બને તે જરૂરી : વિનોદ રાવ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે બે દિવસના સઘન મંથન બાદ તૈયાર થયેલો કન્ક્લુડિંગ રિપોર્ટ રાજ્યના પર્યાવરણ અને વિકાસની ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે જણાવ્યું કે, પર્યાવરણના નિયમોનું પાલન માત્ર કોર્ટના આદેશોના કારણે નહીં, પરંતુ સ્વૈચ્છિક રીતે થાય તે વધુ જરૂરી છે.
તેમણે અમદાવાદના વટવા મોડેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ મોડેલ સમગ્ર રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ઉત્તમ ઉદાહરણ બની શકે છે. ભવિષ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે એવી નીતિ ઘડવાની જરૂર છે કે જ્યાં CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યાં જ નવી ઔદ્યોગિક વસાહતોને પ્રોત્સાહન આપવામાં આવે.
રાવે વધુમાં જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યના સીએમભુપેન્દ્ર પટેલ બંને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સમર્થક છે. આગામી સમયમાં એવી નીતિઓ ઘડવી જોઈએ જેમાં દંડાત્મક કાર્યવાહી ઓછી અને નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે.

‘વિચાર યાત્રા’ સમાન રહી કાર્યશિબિર : આર.બી. બારડ
GPCBના અધ્યક્ષ આર.બી. બારડે કાર્યશિબિરના તારણો રજૂ કરતાં જણાવ્યું કે આ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ ભવિષ્યના ગુજરાત માટેની એક મહત્વપૂર્ણ ‘વિચાર યાત્રા’ હતી. તેમણે જણાવ્યું કે અગાઉની સરખામણીએ રાજ્યમાં પર્યાવરણની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

આજે સમગ્ર વિશ્વ આર્થિક વિકાસ અને પર્યાવરણીય સસ્ટેનેબિલિટી બંનેને સમાન મહત્વ આપી રહ્યું છે. ગુજરાતે પણ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી શકાય છે તે સફળતાપૂર્વક સાબિત કર્યું છે.
બે દિવસીય કાર્યશિબિરમાં રાજ્યના પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન અને ભવિષ્યલક્ષી આયોજન જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું.આ કાર્યશિબિરમાંથી પ્રાપ્ત થયેલા સૂચનો અને ભલામણો આગામી સમયમાં ગુજરાતને માત્ર ઔદ્યોગિક રીતે અગ્રેસર જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદાર અને ટકાઉ વિકાસના મોડેલ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top