Gujarat

વર્લ્ડ યોગાસનમાં ગુજરાતની હીના રાજગોરે ગોલ્ડ જીતી આગેકૂચનું કર્યું નેતૃત્વ

પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપના સમાપન પૂર્વે ભારત 40 ગોલ્ડ સહિત 50 મેડલ સાથે ટોચ પર

ગાંધીનગર

ગાંધીનગરના એકા એરેના ખાતે યોજાઈ રહેલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપના સમાપનના આગલા દિવસે યજમાન ભારતે મેડલ ટેલીમાં પોતાનો દબદબો વધુ મજબૂત બનાવ્યો છે. ગુજરાતની હીના રાજગોરે ફોરવર્ડ બેન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ભારતની સુવર્ણ સફરને નવી ઊંચાઈ આપી હતી.

સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી ભારત 40 ગોલ્ડ, 8 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 50 મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને હતું. જાપાન 3 ગોલ્ડ સહિત કુલ 10 મેડલ સાથે બીજા અને સિંગાપોર 2 ગોલ્ડ સહિત કુલ 6 મેડલ સાથે ત્રીજા સ્થાને હતું.

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપને યોગાસનના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે. પ્રાચીન ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા તેમજ ભવિષ્યમાં ઓલિમ્પિક માન્યતા તરફ આગળ વધારવાના પ્રયાસોમાં આ સ્પર્ધા મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ગુજરાતની હીના રાજગોરે જીત્યો ગોલ્ડ
ભુજની વતની અને હાલમાં યોગમાં પીએચડી કરી રહેલી હીના રાજગોરે સિનિયર-બી મહિલા ફોરવર્ડ બેન્ડ સ્પર્ધામાં 43.50 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઓમાનની પ્રીતિ જયમાની 38.15 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી, જ્યારે રશિયાની સ્વેતલાના લુકાશોવા અને જોર્ડનની માયા અલ અલોસ્તાથે સંયુક્ત રીતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ગોલ્ડ મેડલ જીત્યા બાદ હીના રાજગોરે જણાવ્યું હતું કે, “પોતાના રાજ્યમાં ગોલ્ડ મેડલ જીતવાની ખુશી ખાસ હોય છે. કોવિડ બાદ સ્પર્ધાત્મક યોગાસનની શરૂઆત કર્યા પછી મને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ માનસિક એકાગ્રતા પર સતત કામ કરવાના કારણે આજે આ સફળતા મળી છે.”
પૂર્વ મિસ ગુજરાત સુપર મોડેલનો ખિતાબ જીતી ચૂકેલી હીના યોગાસન અને મોડેલિંગ બંને ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે.

ભારતીય ખેલાડીઓનો સુવર્ણ વરસાદ
ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલની સંખ્યામાં સતત વધારો કર્યો હતો.
આર્ટિસ્ટિક સિંગલ સ્પર્ધામાં રોહન તાયડે, તૃપ્તિ ડોંગરે, રુદ્રાક્ષી ભાવે, અર્જુન પરમાર અને રીતિકા બિશ્નોઈએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
સુપાઇન ઇન્ડિવિઝ્યુઅલ સ્પર્ધામાં નિશા ચાવડા અને વિકાસ લાથરે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જ્યારે ટ્રેડિશનલ યોગાસનની સબ-જુનિયર મહિલા શ્રેણીમાં દેવાંશી ગર્ગે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો હતો.

જાપાન, રશિયા અને ઉઝબેકિસ્તાનનું પણ સારું પ્રદર્શન
ભારતના દબદબા વચ્ચે જાપાને પણ બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. જાપાનના હિસાશી વાતાનાબેએ સિનિયર-બી પુરુષ સુપાઇન ઇન્ડિવિઝ્યુઅલ સ્પર્ધામાં અને તોમોકો શિમિઝુએ સિનિયર-સી મહિલા લેગ બેલેન્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રશિયાની સ્વેતલાના લુકાશોવાએ સિનિયર-બી મહિલા સુપાઇન ઇન્ડિવિઝ્યુઅલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ઉઝબેકિસ્તાનના કમોલાતદિન રખ્માનોવે લેગ બેલેન્સ સિનિયર-સી પુરુષ શ્રેણીમાં પોતાના દેશ માટે ચેમ્પિયનશિપનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

યોગાસનને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ
વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, આયુષ મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત ટૂરિઝમ અને ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનનો સહયોગ પ્રાપ્ત છે.

આ સ્પર્ધા યોગાસનને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા અને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સમાં સ્થાન અપાવવા માટેના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પગથિયું માનવામાં આવી રહી છે.
સમાપનના એક દિવસ અગાઉ ભારતના ખેલાડીઓએ દર્શાવેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનથી યજમાન દેશના મેડલ ટેલીમાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top